બ્રિટનના લીડ્સમાં તોફાન ફાટી નીકળ્યા, રસ્તાઓ પર ઉતત,આગજની અને હિંસા

યુનાઈટેડ કિંગડમના લીડ્સ શહેરમાં ગત રાતે ભારે તોફાનો થયા. મોટી સંખ્યામાં લોકો શહેરની વચ્ચે ભેગા થઈ ગયા અને ઉત્પાત મચાવ્યો. આ લોકોએ એક બસમાં આગ લગાવી દીધી. પોલીસની ગાડીઓ ઉપર પણ હુમલો કર્યો. સોશિયલ મીડિયા પર વાયરલ ઘટનાના વાયરલ વીડિયોમાં તોફાનીઓની ભીડમાં બાળકો પણ જોઈ શકાય છે.

આ તોફાનોનું કારણ સ્થાનિક ચાઈલ્ડ કેર એજન્સી તરફથી બાળકોને તેમના માતાપિતાથી અલગ કરીને ચાઈલ્ડ કેર હોમમાં રાખવાનું કહેવાઈ રહ્યું છે. જેના વિરોધમાં લોકો રસ્તાઓ પર ઉતરી ગયા છે. વેસ્ટ યોર્કશાયર પોલીસનું કહેવું છે કે લીડ્સના હેયરહિલ્સ વિસ્તારની લક્ઝરી સ્ટ્રીટ પર ગુરુવારે સ્થાનિક સમય મુજબ પાંચ વાગે લોકોની ભીડ ભેગી થવાની શરૂ થઈ ગઈ હતી. જેમાં કેટલાક બાળકો પણ સામેલ હતા. પરંતુ જલદી ભીડ ઉગ્ર થઈ અને જોત જોતામાં તો તોફાનો થવા લાગ્યા. જો કે હજુ સુધી આ હુમલામાં કોઈ પણ વ્યક્તિના ઘાયલ થવાના સમાચાર નથી.

એક વીડિયોમાં વ્યક્તિ બસને આગ લગાવતો જોવા મળે છે. જ્યારે કેટલાક લોકો કચરો ફેંકે છે. એક અન્ય વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો એક મોટા ફ્રીઝને લાવીને રસ્તા પર મૂકી આગમાં ફેંકી રહ્યા છે. આ તોફાનોના કારણે અનેક રસ્તા પર ટ્રાફિક બંધ કરાયો છે અને લોકોને સ્થિતિ કાબૂમાં આવે ત્યાં સુધી વિસ્તારમાં જવાથી બચવાની સલાહ અપાઈ છે.

યુકેના ગૃહમંત્રી યવેટ કૂપરે કહ્યું કે લીડ્સમાં ફેલાયેલી અશાંતિના સમાચારોથી તેઓ સ્તબ્ધ છે અને તેઓ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. લીડ્સ શહેરમાં અચાનક ભડકેલા તોફાનો પર ૨૬ વર્ષની રીસાએ જણાવ્યું કે તોફાન કરી રહેલા લોકો પોલીસની ગાડીઓ ઉપર પણ હુમલો કરી રહ્યા છે. પોલીસની વેન પર પ થ્થરોથી લઈને ડ્રિંક્સ અને કચરો જે પણ મળે તે ફેંકી રહ્યા છે. ગિપ્ટન અને હેયરહિલ્સના કાઉન્સિલર સલમા આરિફે સ્થાનિક લોકોને ઘરની અંદર રહેવાની અપીલ કરી છે. તેમણે વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે હેયરહિલ્સમાં હાલ સ્થિતિ ઠીક નથી.

એવું કહેવાય છે કે સ્થાનિક ચાઈલ્ડકેર એજન્સી તરફથી બાળકોને તેમના માતા પિતાથી અલગ કરીને ચાઈલ્ડ કેર હોમમાં રાખવામાં આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસમાં અનેક બાળકોને ચાઈલ્ડ હોમ કેરમાં રાખવામાં આવ્યા છે. હકીક્તમાં પ્રશાસનને એવું લાગે છે કે પરિજનોની દેખરેખમાં બાળકોનો ઉછેર સારી રીતે થઈ શક્તો નથી ત્યારે આવા બાળકોને ચાઈલ્ડ હોમ કેરમાં રાખવામાં આવે છે. જેના વિરોધમાં લોકો રસ્તાઓ પર ઉતરી પડ્યા છે.