લંડન, બ્રિટનમાં પોતાની પૂર્વ પ્રેમિકાની હત્યા કરનાર ભારતીયને ૧૬ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. હૈદરાબાદના રહેવાસી ૨૫ વર્ષીય શ્રીરામ અંબર્લાએ બે વર્ષ પહેલા તેની પૂર્વ પ્રેમિકા સોના બિજુની હત્યા કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુનો કરતા પહેલા તેણે ગૂગલ પર સર્ચ કર્યું હતું કે કેવી રીતે કોઈ વ્યક્તિને છરી વડે તરત જ મોતને ઘાટ ઉતારી શકાય છે. ખરેખર, અંબર્લા સોના સાથે લગ્ન કરવા માંગતો હતો, પરંતુ સોનાએ ના પાડી. આ પછી એક દિવસ અંબર્લા તે રેસ્ટોરન્ટમાં પહોંચ્યો જ્યાં સોના કામ કરતી હતી. ત્યાં તેણે તેની પૂર્વ પ્રેમિકાને તેની સાથે લગ્ન નહીં કરે તો તેને મારી નાખવાની ધમકી આપી હતી. જો કે, તે હજુ પણ લગ્ન માટે સંમત ન હતી.
સોનાએ અંબર્લાને કહ્યું હતું કે તે તેના કહેવા પ્રમાણે રહી શક્તી નથી. આ પછી અંબર્લાએ તેની ગરદન પર છરી વડે હુમલો કર્યો હતો. સોનાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. લગભગ એક મહિના સુધી ચાલેલી સારવાર બાદ તેનું મોત થયું હતું.
કોર્ટમાં સુનાવણી દરમિયાન કહેવામાં આવ્યું હતું કે સોના પર હુમલો કરતા પહેલા અંબરલાએ ગૂગલ પર સર્ચ કર્યું હતું કે છરી વડે કોઈ વ્યક્તિને સરળતાથી કેવી રીતે મારી શકાય? કેવી રીતે મારવામાં આવે તો વ્યક્તિ તરત જ મૃત્યુ પામે છે? બ્રિટનમાં કોઈ વિદેશી કોઈની હત્યા કરે તો શું થાય?
કોર્ટના દસ્તાવેજો અનુસાર, અંબર્લા અને સોના ૨૦૧૭માં એકબીજા સાથે રિલેશનશિપમાં હતા. તેઓ હૈદરાબાદ કોલેજમાં મળ્યા હતા. રિલેશનશિપ દરમિયાન અંબર્લા સોના સાથે મારઝૂડ કરતો હતો. તે પોતાની વાત મનાવવા માટે જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. અંબર્લા ઘણી વખત સોનાના ઘરે જતો હતો અને તેને લગ્ન માટે બ્લેકમેલ કરતો હતો.
આ બધાથી પરેશાન થઈને સોના વર્ષ ૨૦૧૯માં તેનાથી અલગ થઈ ગઈ હતી. ૨૦૨૨માં ૩ વર્ષ બાદ બંને અભ્યાસ માટે લંડન આવ્યા હતા. આ દરમિયાન પણ અંબર્લાએ સોનાનો પીછો કરવાનું બંધ કર્યું ન હતું. તે અવારનવાર તે રેસ્ટોરન્ટનો સંપર્ક કરતો હતો જ્યાં સોના કામ કરતી હતી. અંબર્લા ત્યાંથી ખાવાનું મંગાવતો હતો, જેથી સોના તેને પહોંચાડવા માટે ઘરે જાય. થોડા અઠવાડિયા પછી, અંબર્લાએ રેસ્ટોરન્ટમાં સોનાની હત્યા કરી. ઘટના પછી તેણે પોલીસને જણાવ્યું કે સોના રેસ્ટોરન્ટમાં કોઈને કહેતી હતી કે તે અંબર્લા સાથેના બ્રેકઅપ પછી પાર્ટી કરવા માંગે છે. આ સાંભળીને તેને ગુસ્સો આવ્યો અને તેણે તેની પૂર્વ પ્રેમિકાની હત્યા કરી નાખી.