બ્રિટનમાં ગ્રેજ્યુએટ રૂટ વિઝા બંધ થશે, ૯૧ હજાર ભારતીયને પ્રવેશ નહીં મળે

લંડન, બ્રિટનની ૠષિ સુનક સરકાર ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો આપવાની તૈયારી કરી રહી છે. સરકારની માઈગ્રેશન એડવાઈઝરી કમિટીએ ગ્રેજ્યુએટ વિઝા રૂટ બંધ કરવા માટે સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટી થિંક ટેક્ધ ઓનવર્ડ સાથે એક અહેવાલ સહ-લેખિત કર્યો છે. સુત્રો પાસેથી ભાસ્કરને મળેલી માહિતી મુજબ મંગળવારે સુનક કેબિનેટમાં અહેવાલ રજૂ કરવામાં આવશે. એની જોગવાઈઓ અનુસાર, દર વર્ષે લગભગ ૯૧ હજાર ભારતીય વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન રૂટ દ્વારા વિઝા પ્રવેશ મેળવી શકશે નહીં.

હાલમાં દર વર્ષે લગભગ ૧ લાખ ૩૦ હજાર ભારતીય વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન વિઝા રૂટ દ્વારા બ્રિટનમાં પ્રવેશ મેળવે છે. ૩૯ હજાર ભારતીય વિદ્યાર્થીઓને જ વિઝા આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે ૨૦૨૧ માં શરૂ થયેલ ગ્રેજ્યુએશન વિઝા રૂટ ભારતીય અને અન્ય આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને તેમના માસ્ટર્સનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી બે વર્ષ સુધી બ્રિટનમાં રહેવા અને કામ કરવાની મંજૂરી આપે છે.

ગ્રેજ્યુએશન વિઝા મેળવતા વિદ્યાર્થીઓ તેમના ઇમિગ્રેશનના દાવાને મજબૂત બનાવે છે. કારણ કે અભ્યાસ બાદ બે વર્ષના રોકાણની છૂટ મેળવીને આ વિદ્યાર્થીઓને સ્કીલ્ડ વર્કરની કેટેગરી મેળવે છે. લગભગ ૮૦% ભારતીય વિદ્યાર્થીઓ અહીં મેડિસિન, એન્જિનિયરિંગ અથવા કાયદાનો અભ્યાસ કરવા આવે છે. અભ્યાસ પછી, તેઓ વિસ્તૃત રોકાણ દરમિયાન એક સ્કીલ્ડ વર્કર જેટલો જ પગાર મેળવે છે. બ્રિટનના ગૃહમંત્રી જેમ્સ ક્લેવરલીનું કહેવું છે કે એવું જોવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ આ વિઝાનો ઉપયોગ ઈમિગ્રેશન મેળવવા માટે કરે છે.