
લંડન,
બ્રિટનમાં છેલ્લાં ૩૦ વર્ષની સૌથી મોટી હડતાળ શરૂ થવા જઇ રહી છે. તેમાં બસ, રેલવે, એરપોર્ટ, એમ્બ્યુલન્સ, નસગ અને પોસ્ટલ સ્ટાફ સહિત અનેક વિભાગોના બે લાખથી વધુ કર્મચારીઓ જોડાશે. ખાસ વાત એ છે કે આ મહા હડતાળ ક્રિસમસની રજાઓ દરમિયાન શરૂ થશે. આ જ કારણે બ્રિટન આવનારા પર્યટકોએ તકલીફનો સામનો કરવો પડશે.
ક્રિસમસ દરમિયાન અહીંના પર્યટનમાં સારો એવો ઉછાળો આવે છે પણ આ વખતે કોઈ ખાસ ઉત્સાહ દેખાઈ રહ્યો નથી. માર્ગો પર ઝગમગાટની જગ્યાએ ભીડ છે જે મોંઘવારીથી પીડાઈ રહી છે. દરેક વિભાગના કર્મચારીઓની અલગ માંગ છે પણ સૌ પગાર વધારાની સમાન માંગ તો કરી જ રહ્યા છે. કર્મચારીઓ કહે છે કે જે ઝડપે મોંઘવારી વધી છે તે ગતિએ પગાર વધ્યો નથી. બ્રિટનમાં મોંઘવારી દર ૧૧.૧% છે. જોકે નર્સિંગ સ્ટાફના પગારમાં ૪.૭૫% નો વધારો કરાયો છે. એમ્બ્યુલન્સ સ્ટાફને પગારમાં ૪% વધારો અપાયો છે. પોસ્ટલના કર્મચારીઓને ૯% પગાર વધારાની ઓફર કરાઈ છે પણ તેમણે આ ઓફર નકારતા કહ્યું કે પગારવધારો હજુ પણ મોંઘવારી દરથી ઓછો છે.
હડતાળની શરૂઆત ૭ ડિસેમ્બરે શિક્ષકોના કામ બંધ કરવાની સાથે થઇ હતી. તેમની માગ છે કે સેલરી વધારવાની સાથે પેન્શન પણ વધારવામાં આવે. ૨૩થી ૨૬ ડિસેમ્બર અને ૨૮ તથા ૩૧ ડિસેમ્બરે એરપોર્ટ સ્ટાફ ગેટવિક, હીથ્રો, માન્ચેસ્ટર, બમઘમ, ગ્લાસગો અને કાડફમાં હડતાળ પર રહેશે. ૮ દિવસ ચાલનારી આ હડતાળની અસરથી બચવા સરકારે એરપોર્ટ અને પોર્ટ પર સૈન્ય તહેનાત કરવાનો નિર્ણય કર્યો છે જેથી કર્મચારીઓની જગ્યાએ સૈનિકો કામ કરી શકે.
બ્રિટનના આશરે ૪૦ હજાર રેલવે કર્મચારી ૧૩થી ૧૭ ડિસેમ્બર વચ્ચે હડતાળ પર રહેશે. તેનાથી બ્રિટનની ૫૦ ટકા રેલવે સેવા ખોરવાઈ જવાની આશંકા છે. ૧૫ અને ૨૦ ડિસેમ્બરે આશરે ૧ લાખ નર્સો હડતાળ પર જવાની તૈયારીમાં છે. જોકે હોસ્પિટલોમાં ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે.
ઈપ્સોસ નામની સંસ્થાના સરવેમાં સામે આવ્યું કે ૫૯% બ્રિટિશ પ્રજા નર્સોની હડતાળને સમર્થન આપે છે. ૧૦ હજાર એમ્બ્યુલન્સ કર્મચારીઓ પણ ૨૧ અને ૨૮ ડિસેમ્બરે હડતાળ કરશે. અગાઉ આટલા મોટા પાયે આશરે ૩૦ વર્ષ પહેલાં એટલે કે ૧૯૮૯માં હડતાળ કરાઈ હતી. તે પણ એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા પગારવધારા માટે જ કરવામાં આવી હતી.
ભારતીય મૂળના બ્રિટિશ વડાપ્રધાન ૠષિ સુનક સામે મોટો પડકાર ઊભો થયો છે. બ્રિટનમાં ટેક્સના દરમાં સતત વધારો થતો જઇ રહ્યો છે પણ સુનકના હિસાબે આ નિર્ણય યોગ્ય છે. લોકોને એ વાતથી જ તકલીફ છે કે પગાર પહેલાથી ઓછો છે તો વધારે ટેક્સ કેવી રીતે ચૂકવીએ? આ જ કારણે સુનકની લોકપ્રિયતા ઘટી રહી છે.
પીએમ સુનકે કહ્યું કે જો યુનિયનના નેતા અયોગ્ય પગલાં ભરશે તો આ મારું ર્ક્તવ્ય છે કે હું લોકોના જીવ બચાવવા તેમની વિરુદ્ધ કાર્યવાહી કરું. બીજી બાજુ ટ્રેડ યુનિયન જીએમબીના નેતા રેચલ હેરિસને કહ્યું કે અમે મજબૂરીમાં હડતાળ કરી રહ્યા છીએ.