લંડન, ભારતમાં હાલ લોક્સભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે આની ગૂંજ વિદેશમાં પણ જોવા મળી રહી છે.બ્રિટનના પાર્લામેન્ટ સ્ક્વેરમાં ૪૦૦થી વધુ લોકોએ વડાપ્રધાન મોદીને લઈ નારા ગુંજ્યા હતા.
ભારતીય મહિલાઓ બ્રિટિશ સંસદની સામે પરંપરાગત પોશાકમાં પહોંચી ગઈ હતી. તેઓ ભારતની લોક્સભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન આપવા માટે એકઠી થઈ હતી. તેમાં તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, આસામ, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ગુજરાત, બિહાર, ઓડિશા અને અન્ય પ્રદેશોની સ્થળાંતરિત મહિલાઓનો સમાવેશ થાય છે. ભારતીય લોકશાહીની ભવ્ય ઉજવણીનો ભાગ બનવા માટે મહિલાઓએ આ અનોખી રીત અપનાવી હતી.
આ દરમિયાન, મહિલાઓએ ઉત્સાહપૂર્વક પ્રદર્શન કર્યું, ભારતની પ્રગતિશીલ યાત્રામાં તેમનું ગૌરવ દર્શાવ્યું અને પીએમ મોદી અને તેમની પાર્ટીના નેતૃત્વમાં તેને ચાલુ રાખવાની તેમની ઇચ્છા દર્શાવી. ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઑફ બીજેપી યુકેએ રવિવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે પીએમ મોદીએ વૈશ્ર્વિક મંચ પર ભારતની પ્રતિષ્ઠા વધારી છે, ભારતીય ઓળખમાં ગર્વની ઊંડી લાગણી જન્માવી છે. આ દરમિયાન મહિલાઓએ પ્રાદેશિક ભાષાઓમાં જુસ્સાદાર ભાષણો આપ્યા હતા. મહિલાઓનું માનવું છે કે તેમનો અવાજ ભારતના ભવિષ્યને આકાર આપવામાં મહત્ત્વનો ફેરફાર લાવી શકે છે. મહિલાઓએ વડાપ્રધાન મોદીને વર્ષ-૨૦૪૭ સુધી વિકસિત ભારતના વિઝન પર ભાર આપતા કહ્યું કે મહિલા સશક્તિકરણ આ દ્રષ્ટિકોણનો એક વિશેષ સ્તંભ છે.