
તેલઅવીવ, બ્રિટિશ વિદેશ મંત્રી જેમ્સ ક્લેવરલી ઈઝરાયેલની મુલાકાત દરમિયાન રોકેટ હુમલાથી બચી ગયા હતા. વાત જાણે એમ છે કે, બ્રિટિશ મીડિયા રિપોર્ટ અનુસાર એક વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ઓફાકીમમાં રોકેટ હુમલા બાદ સાયરન વાગતાની સાથે જ વિદેશ મંત્રી અને તેમની સાથે હાજર અન્ય લોકો નજીકની ઈમારતમાં પોતાનો જીવ બચાવવા દોડતા જોવા મળ્યા હતા.
ઇઝરાયેલના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, હમાસ દ્વારા રોકેટ હુમલા બાદ આ પ્રકારની સાયરન વાગે છે. વિદેશ મંત્રી બુધવારે જ ઈઝરાયેલ પહોંચ્યા હતા. એક્સ પર પોસ્ટ કરતી વખતે તેમણે કહ્યું કે, અમે ઈઝરાયેલની સાથે છીએ.
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાએ આધુનિક હથિયારોની પ્રથમ ખેપ મોકલી છે. ઇઝરાયલના સંરક્ષણ મંત્રાલયે બુધવારે વીડિયો અને તસવીરો જાહેર કરીને કહ્યું કે, અમેરિકાથી હથિયારોની પ્રથમ ખેપ લઈને જતું કાર્ગો પ્લેન ઈઝરાયેલ પહોંચી ગયું છે. હમાસના હુમલામાં અમેરિકન નાગરિકોના મૃત્યુની સંખ્યા ૧૪ થી વધીને ૨૨ થઈ ગઈ છે.
અમેરિકાએ કહ્યું કે, તે ઈઝરાયેલને ઘાતક હથિયારો પૂરા પાડી રહ્યું છે. પેન્ટાગોન પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. સાથી દેશ ઇઝરાયેલને જે પણ જરૂર પડશે તે પૂરી પાડવામાં આવશે. યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, આ હથિયારો કાર્ગો પ્લેન દ્વારા મોકલવામાં આવ્યા હતા. આમાં શું સામેલ છે તેની માહિતી શેર કરવામાં આવી નથી. અમેરિકન નાગરિકોના મોત બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ઈઝરાયેલને હથિયાર આપવાનો નિર્દેશ આપ્યો હતો.
રાષ્ટ્રપતિ જો બિડેને મંગળવારે કહ્યું કે, હમાસના આતંકવાદીઓએ ઇઝરાયેલમાં નિર્દોષ લોકોની હત્યા કરી છે. આ કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે, હમાસે જે કર્યું છે તે આઇએસઆઇએસ દ્વારા કરવામાં આવેલા રક્તપાતની યાદ અપાવે છે. અમે ઇઝરાયલ સાથે ઉભા છીએ. ઇઝરાયેલને આ યુદ્ધમાં જે પણ જરૂર પડશે તે આપવામાં આવશે. નિર્દોષ લોકોના હત્યારાઓને શક્ય તમામ સજા મળવી જોઈએ.