બ્રિટન માટે જાસૂસી કરવાના આરોપસર ઈરાને પૂર્વ નાયબ સંરક્ષણ મંત્રીને ફાંસીએ લટકાવી દીધા

વોશિગ્ટન,ઈરાનમાં પૂર્વ નાયબ સંરક્ષણ મંત્રી અલી રજા અકબરીને બ્રિટન માટે જાસૂસી કરવાના આરોપસર જાન્યુઆરીમાં ફાંસી પર લટકાવી દેવાયા હતા. અમેરિકાના અખબારે હવે ઈરાનની ગુપ્તચર એજન્સીઓના હવાલાથી એવો દાવો કર્યો છે કે, અલી રજા અકબરી ૧૫ વર્ષ સુધી બ્રિટન માટે જાસૂસી કરી રહ્યા હતા અને ઈરાનના ન્યુ્ક્લિયર પ્રોગ્રામ સહિતની બીજી પણ ગુપ્ત જાણકારી બ્રિટિનને પહોંચાડી હતી. બ્રિટિશ સરકારે જોકે ક્યારેય આ વાતને સ્વીકારી નહોતી.

અખબારના કહેવા અનુસાર ૨૦૦૮માં બ્રિટનના એક જાસૂસે ઈઝરાયેલની મુલાકાત દરમિયાન દાવો કર્યો હતો કે, બ્રિટન પાસે ઈરાનના ન્યુક્લિયર પ્રોગ્રામની જાણકારી છે. બીજી તરફ ૨૦૧૯માં ઈરાને અલી રજા અકબરીની ધરપકડ કરી હતી અને તેમના પર જાસૂસી માટે ૨૪ લાખ ડોલર લેવાનો આરોપ મુકાયો હતો. ૨૦૨૨ના જાન્યુઆરી મહિનામાં અલી રજા અકબરીને ફાંસી આપવામાં આવી હતી. જેની આંતરરાષ્ટ્રીય સ્તરે ટીકા પણ થઈ હતી.