બ્રિટિશ સરકારે બુધવારે ગેરકાયદેસર સ્થળાંતરને રોકવા માટે નવી જાહેરાત કરી છે. સરકારનું કહેવું છે કે ગેરકાયદેસર સ્થળાંતર રોકવા માટે ૧૦૦ નવા ગુપ્તચર અધિકારીઓની ભરતી કરવામાં આવશે. બ્રિટનના હોમ સેક્રેટરી યવેટ કૂપરનું કહેવું છે કે નેશનલ ક્રાઈમ એજન્સીમાં ૧૦૦ નવા ઈન્ટેલિજન્સ અધિકારીઓને તૈનાત કરવામાં આવશે. આ રીતે ગેરકાયદેસર સ્થળાંતર નેટવર્કનો પર્દાફાશ થઈ શકે છે.
યવેટ કૂપરે કહ્યું કે, દેશમાં ગેરકાયદેસર સ્થળાંતર રોકવા માટે એક નવો ગુપ્તચર કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. તેના દ્વારા ગેરકાયદેસર સ્થળાંતર માટે જવાબદાર લોકોની શોધ કરવામાં આવશે. બ્રિટનમાં કામ કરવાનો અધિકાર ન હોય તેવા લોકોને ગેરકાયદે નોકરી આપનારાઓની શોધખોળ હાથ ધરવામાં આવશે. કૂપરે કહ્યું, ’અમારો નવો બોર્ડર સિક્યોરિટી કમાન્ડ પહેલેથી જ તૈયાર છે. આમાં ઝડપથી નવા લોકોની ભરતી કરવામાં આવી રહી છે. તેનાથી ગુનાહિત દાણચોરી કરતી ગેંગનો અંત આવશે. આવી ગેંગ આપણી સીમા સુરક્ષાને નબળી બનાવી રહી છે. અમે એવી સિસ્ટમ બનાવીશું જે વધુ નિયંત્રિત અને સંચાલિત હોય. આ રીતે લાંબા સમયથી ચાલી રહેલી અરાજક્તાનો અંત આવશે.
સત્તાવાર માહિતી અનુસાર,એનસીએ હાલમાં લોકોની હેરફેરમાં સંડોવાયેલા મોટા નેટવર્કની તપાસ કરી રહી છે. આ માટે એનસીએ દ્વારા ૭૦ જેટલા તપાસ અભિયાનો ચાલી રહ્યા છે. અહેવાલ છે કે આ નેટવર્ક્સ અંગ્રેજી ચેનલ ક્રોસિંગનો ઉપયોગ કરી રહ્યાં છે. આવા સંગઠિત અપરાધનો સામનો કરવો એ એનસીએ માટે ટોચની પ્રાથમિક્તા છે. દ્ગઝ્રછ ઓપરેશન્સના ડાયરેક્ટર જનરલ રોબ જોન્સે જણાવ્યું હતું કે એજન્સી પહેલા કરતા વધુ પ્રયાસો કરી રહી છે. તમને જણાવી દઈએ કે ચૂંટણી જીત્યાના થોડા દિવસો બાદ જ વડાપ્રધાન કીર સ્ટારમેરે કહ્યું હતું કે પૂર્વ કન્ઝર્વેટિવ પાર્ટીની સરકારની રવાન્ડા યોજનાને નિષ્ફળ જાહેર કરવામાં આવી છે. રવાન્ડાની યોજના હેઠળ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને આફ્રિકન દેશમાં મોકલી દેવાના હતા.