બ્રિટનમાં આવક ઘટી:૧.૧૦ કરોડ વર્કિંગ લોકો પાસે ૧ હજાર પાઉન્ડથી પણ ઓછી બચત

લંડન, વિકસિત દેશોમાં સામાન્ય રીતે આપત્તિ કે અન્ય સંકટકાળમાં ખર્ચને પહોંચી વળવા લોકો પાસે પૂરતી બચત હોય છે. પરંતુ બ્રિટન જેવા દેશમાં કેટલાંક વર્ષોથી લોકોની બચત સતત ઘટી રહી છે. જ્યારે બ્રિટનમાં દરેક ઘરમાં ઓછામાં ઓછા ત્રણ મહિનાના ખર્ચ માટે બચત કરવાની પરંપરા રહી છે અને લોકોનું એવું માનવું છે કે સંકટસમય માટે બચત રાખવી જરૂરી છે.બચત યોજનાઓમાં લોકોને સામેલ કરવા માટે અભિયાન ચલાવનારી સંસ્થા રિઝોલ્યુશન ફાઉન્ડેશનનું કહેવું છે કે દેશમાં લાખો લોકો પાસે સંકટ સમયે અથવા અચાનક આવનારા ખર્ચ માટે પૈસા નથી. એક રિપોર્ટ અનુસાર ૧.૧૦ કરોડથી વધુ વકગ લોકો પાસે બચતમાં એક હજાર પાઉન્ડ (૧ લાખ રૂ. થી થોડા વધુ) કરતાં પણ ઓછા પૈસા છે જે વર્કિંગ વય ધરાવતા ત્રણ ઘરોમાંથી લગભગ એક છે.

બ્રિટનમાં લોકો ટ્રિપલ ચેલેન્જનો સામનો કરી રહ્યા છે- પહેલું- સંકટ સમયે ખર્ચ માટે બચત નથી. બીજું- આજીવિકાનું સંકટ અને ત્રીજું-નોકરીથી રિટાયર્ડ થયા બાદ જરૂરી ખર્ચને પહોંચી વળવાની ક્ષમતા ઘટી રહી છે. એબીઆરડીએન ફાઇનાન્શિયલ ફેરનેસ ટ્રસ્ટના એક રિપોર્ટમાં અંદાજ લગાવાયો છે કે બ્રિટનમાં કટોકટી અને નિવૃત્તિ માટે બચાવેલા ધનમાં ૭૪ અબજ પાઉન્ડ ( ૭.૭૮ લાખ કરોડ રૂ. )ની ઘટ છે. ૫૦% કામકાજી લોકો બેરોજગાર થયા પછીના પડકારો માટે તૈયાર નહોતા.