બ્રિટનના સાઉથપોર્ટ શહેરમાં હિંસા ફાટી નીકળી હતી. એક કાર્યક્રમ દરમિયાન થયેલા હુમલામાં ત્રણ છોકરીઓની હત્યાના વિરોધમાં આ હિંસા ફાટી નીકળી હતી અને આ દરમિયાન મોટી સંખ્યામાં દેખાવકારોની પોલીસ સાથે અથડામણ થઈ હતી. તમને જણાવી દઈએ કે સોમવારે એક ૧૭ વર્ષના યુવકે એક કાર્યક્રમમાં હાજર બાળકો અને કિશોરો પર ચાકુ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણ છોકરીઓના મોત થયા હતા અને અન્ય પાંચ બાળકો ઘાયલ થયા હતા.
રિપોર્ટ્સ અનુસાર, એક અફવા ફેલાઈ હતી કે હુમલો કરનાર યુવક એક ખાસ ધર્મનો છે, જેના પછી મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા અને એક મસ્જિદ પર પથ્થરમારો શરૂ કર્યો. આ દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. દેખાવકારોએ પોલીસના વાહનોમાં તોડફોડ કરી હતી અને આગચંપી કરવાની ઘટનાઓને અંજામ આપ્યો હતો. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ ’અમને અમારો દેશ પાછો જોઈએ’ જેવા નારા લગાવ્યા હતા.
બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમેરે સાઉથપોર્ટમાં થયેલી હિંસા પર નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે યુવતીઓની હત્યાનો આરોપી કિશોર હાલ પોલીસ કસ્ટડીમાં છે. બ્રિટિશ પોલીસે આરોપીના હુમલાને આતંકવાદી ઘટના ગણવાની ના પાડી દીધી છે અને કહ્યું છે કે આરોપીનો જન્મ બ્રિટનમાં થયો હતો. હુમલા પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.
સોમવારે ઉનાળાની રજાઓમાં સાઉથપોર્ટમાં પ્રખ્યાત પોપ સિંગર ટેલર સ્વિટના યોગ અને ડાન્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન હુમલાખોરે ઘણી છોકરીઓને ચાકુ વડે નિશાન બનાવી હતી. આ હુમલામાં ત્રણ છોકરીઓના મોત થયા હતા અને અન્ય ઘણી ઘાયલ થઈ હતી. ઘાયલોમાં ઘણાની હાલત ગંભીર છે. ટેલર સ્વિટે પણ આ હુમલાની સખત નિંદા કરી હતી. મંગળવારે હુમલામાં માર્યા ગયેલા બાળકોને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.