નવીદિલ્હી,દિલ્હી પોલીસે રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયાના વડા બ્રિજભૂષણ શરણ સિંહ સામે જાતીય સતામણીનો આરોપ લગાવનારા કુસ્તીબાજોને સુરક્ષા પૂરી પાડી હતી. અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ફરિયાદીઓને ટૂંક સમયમાં તેમના નિવેદનો નોંધવા માટે કહેવામાં આવ્યું છે જેથી વધુ તપાસ થઈ શકે.
બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ ફરિયાદ દાખલ થયા બાદ સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને આ કુસ્તીબાજોને સુરક્ષા આપવાનો નિર્દેશ આપ્યો હતો. સિંહ સામે મહિલાની જાતીય સતામણીનો, મહિલાઓનો પીછો કરવા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટની કલમ ૧૦ હેઠળ બે એફઆઈઆર નોંધવામાં આવી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર અમે કુસ્તીબાજોને સુરક્ષા પૂરી પાડી છે, જેમાં એક સગીર કુસ્તીબાજનો પણ સમાવેશ થાય છે, જેમણે WFI ચીફ સામે જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી છે. અમે ફરિયાદીઓને તેમના નિવેદનો રેકોર્ડ કરવા પણ કહ્યું છે.
દિલ્હી પોલીસે શુક્રવારે મોડી રાત્રે સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ બે અલગ-અલગ FIR નોંધી છે. બંને એફઆઇઆર કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. આ સાથે જ લાંબા સમયથી વિવાદોમાં ફસાયેલા રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખની મુસીબતો વધુ વધી ગઈ છે. જ્યારે બીજી તરફ આ બંને એફઆઈઆરની એક સાથે નોંધણીને જંતર-મંતર પર ધરણા પર બેઠેલી મહિલા ખેલાડીઓ/કુસ્તીબાજો તેને તેમની લડાઈમાં પ્રથમ મોટી જીત માની રહી છે. આ મામલાની તપાસ હવે ભારતની બહાર નીકળીને વિદેશમાં પણ પહોંચી શકે છે.
દેશમાં હાલમાં રેસલર્સનું વિરોધ પ્રદર્શન ભારે ચર્ચામાં છે. મોટી ટુર્નામેન્ટમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનારા ખેલાડીઓ હાલમાં જંતર મંતર પર ન્યાય માટે ધરણા કરી રહ્યા છે. તેવામાં યૌન શોષણના આરોપોનો સામનો કરી રહેલા ભાજપ સાંસદ અને ભારતીય કુશ્તી સંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ સિંહે એક નિવેદન આપ્યું છે. એક મીડિયા એજન્સીને તેમણે જણાવ્યું કે મને ખબર પડી છે કે મારા વિરુદ્ધ એફઆઈઆર થઈ શકે છે પણ મને ન્યાય વ્યવસ્થા પર પૂરેપૂરો ભરોસો છે.