બ્રિજભૂષણ બાદ હવે કુસ્તીબાજોએ અનુરાગ ઠાકુર પર કર્યા પ્રહાર, આ મામલે આંખ આડા કાન કરવાનો આરોપ

નવીદિલ્હી,રાજધાની દિલ્હીના જંતર-મંતર પર વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ હવે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પર આરોપ લગાવ્યો છે. સ્ટાર રેસલર વિનેશ ફોગાટે દાવો કર્યો છે કે, અનુરાગ ઠાકુર આ મામલે આખ આડા કાન કરી રહ્યા છે. તાજેતરમાં કુસ્તીબાજોએ એમ પણ કહ્યું હતું કે, તેઓ કરિયરના ડરને કારણે રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ બોલતા ડરે છે.

ફોગાટે ખેલ મંત્રી ઠાકુર પર કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવ્યો હતો. જેમાં તેણે કહ્યું હતુ કે “અમે રમતગમત મંત્રી સાથે વાત કર્યા પછી વિરોધને પાછો ખેંચી લીધો અને તમામ ખેલાડીઓએ તેમને જાતીય સતામણી વિશે જણાવ્યું. તેઓએ એક સમિતિ બનાવીને મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો અને તે દરમિયાન કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ત્યારે તે જ મામલે કુસ્તીબાજો બ્રિજભૂષણ સિંહની ધરપકડની માંગ કરી રહ્યા છે.

ફોગાટે જણાવ્યું કે જંતર-મંતર પર પ્રથમ વખત વિરોધ કરતા પહેલા તેઓ એક અધિકારીને પણ મળ્યા હતા, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. તેમણે કહ્યું, ‘ત્રણ-ચાર મહિના પહેલા જંતર-મંતર પર બેસતા પહેલા અમે એક અધિકારીને મળ્યા હતા. અમે તેમને બધુ જ જણાવ્યું કે કેવી રીતે મહિલા ખેલાડીઓનું યૌન શોષણ અને માનસિક ત્રાસ આપવામાં આવે છે. પણ તે સમયે પણ કોઈ કાર્યવાહી ન થતાં અમે ધરણા પર બેસી ગયા.

ઓલિમ્પિક ખેલાડી બજરંગ પુનિયાએ પણ વિરોધના બીજા રાઉન્ડ દરમિયાન રાજકીય પક્ષોને સામેલ થવાની અપીલ કરી હતી. ત્યારથી અહીં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ ખૂબ જ સક્રિય છે. અહીં ફેડરેશનના પ્રમુખ સિંહ પણ આ પ્રદર્શનમાં કોંગ્રેસના નેતાઓની સંડોવણી હોવાનો આરોપ લગાવી રહ્યા છે. તેણે ઘણા કુસ્તીબાજો પર પણ સવાલો ઉઠાવ્યા હતા.

કુસ્તીબાજ સાક્ષી મલિક સહિત ઘણા લોકોએ જાતીય સતામણીના આરોપો પર ડરની વાત કરી હતી. મલિકે કહ્યું, ‘આ જ કારણ છે કે અમે લાંબા સમય સુધી ચૂપ રહ્યા. અમે કુસ્તી કરવા અને અમારી કારકિર્દી બચાવવા માગતા હતા કારણ કે અમને ખબર હતી કે તેનો અંત કેવી રીતે આવશે. ત્યારે અમે અમારો અવાજ ઉઠાવવાની હિંમત ન કરી શક્યા, પરંતુ આજે અમે તે સ્તરે પહોંચી ગયા છીએ કે અમે સાથી ખેલાડીઓ માટે બોલી શકીએ છીએ.