શુક્રવારે બ્રાઝિલના સાઓ પાઉલોમાં વિમાન દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે. 6 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. રોઇટર્સના અહેવાલ મુજબ, આ અકસ્માત ગુરુવારે સ્થાનિક સમય મુજબ સવારે 7.20 વાગ્યે થયો હતો. કિંગ એર F90 વિમાન ઇમરજન્સી લેન્ડિંગનો પ્રયાસ કરી રહ્યું હતું. આ સમય દરમિયાન આ અકસ્માત થયો.
અહેવાલો અનુસાર, લેન્ડિંગ પછી વિમાન એક બસ સાથે અથડાયું. આ પછી વિમાનમાં આગ લાગી જેમાં 2 લોકો બળીને ખાખ થઈ ગયા. વિમાનના કાટમાળ નીચે પટકાતા બસમાં બેઠેલી એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ. આ ઉપરાંત, કાટમાળ નીચે પટકાતા એક બાઇક સવાર ગંભીર રીતે ઘાયલ થયો છે.વિમાન દક્ષિણમાં રિયો ગ્રાન્ડે દો સુલ તરફ જઈ રહ્યું હતું. ઉડાન ભર્યા પછી વિમાન 5 કિમીનું અંતર પણ કાપી શક્યું નહીં. વિમાનને ઇમરજન્સી લેન્ડિંગની જરૂર કેમ પડી તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી.
ગુરુવારે અલાસ્કામાં 10 લોકો સાથેનું એક ચાર્ટર્ડ વિમાન અચાનક ગુમ થઈ ગયું. બીબીસીના અહેવાલ મુજબ, બેરિંગ એરનું સેસ્ના કારવાં 208B વિમાન ગુરુવારે સાંજે 4 વાગ્યે ઉનાલકલીટથી નોમ માટે રવાના થયું હતું.
દરમિયાન, અચાનક વિમાનનો સંપર્ક તૂટી ગયો અને તે ગુમ થઈ ગયું. સ્થાનિક વહીવટીતંત્ર ગુમ થયેલા વિમાનની શોધમાં રોકાયેલું છે. નોમ વોલેન્ટિયર ફાયર ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, વિમાનમાં નવ મુસાફરો અને એક પાઇલટ હતા. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટ રડારના ડેટા અનુસાર, ઉનાલકલીટથી ઉડાન ભર્યાના 39 મિનિટ પછી વિમાન રડાર પરથી ગાયબ થઈ ગયું. ઉનાલાકિનીટ અને નોમ વચ્ચેનું અંતર 235 કિમી છે.ફાયર વિભાગે ફેસબુક પર એક નિવેદનમાં લખ્યું છે કે, નોમ અને વ્હાઇટ માઉન્ટેન્સમાં વિમાનની શોધ ચાલુ છે. વિભાગે જણાવ્યું હતું કે, અલાસ્કા નેશનલ ગાર્ડ અને કોસ્ટ ગાર્ડ ફોર્સ પણ વિમાનની શોધ કરી રહ્યા છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ખરાબ હવામાન શોધમાં અવરોધ ઉભો કરી રહ્યું છે. ફાયર વિભાગના અધિકારીઓએ લોકોને અપીલ કરી છે કે તેઓ જાતે વિમાન શોધવા ન જાય, કારણ કે ખરાબ હવામાનને કારણે વધુ લોકો ગુમ થઈ શકે છે.એવું માનવામાં આવતું નથી કે વિમાન ક્રેશ થયું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, શુક્રવારે સવારથી વિમાનને સત્તાવાર રીતે ગુમ જાહેર કરવામાં આવ્યું છે. તેને હજુ સુધી અકસ્માતનો ભોગ માનવામાં આવ્યો નથી.
ઉનાલકલીટ અલાસ્કાના પશ્ચિમ કિનારે આવેલું છે. તે નોર્ટન સાઉન્ડ ખાડીના કિનારે અને નામિક નદીના મુખ પર સ્થિત છે. ઉનાલકલીટમાં 690 લોકો રહે છે. નોમ અલાસ્કાના પશ્ચિમ કિનારે પણ આવેલું છે. 1890ના દાયકામાં અહીં સોનાની શોધ થઈ હતી, ત્યાર બાદ આ વિસ્તાર પ્રખ્યાત બન્યો. અહીં 3500થી વધુ લોકો રહે છે.