બ્રાઝિલમાં પૂર અને ભારે વરસાદને કારણે ૧૦૭ના મોત અને ૧૩૬ લોકો થયા લાપતા

બ્રાઝિલ, દક્ષિણ બ્રાઝિલ (બ્રાઝિલ લડ)માં ભારે વરસાદને કારણે ૧૦૭ લોકોના મોત થયા છે. ૧૩૬ લોકો હજુ પણ ગુમ છે. જ્યારે ૧ લાખ ૬૪ હજારથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, બ્રાઝિલના દક્ષિણી રાજ્ય રિયો ગ્રાન્ડે દો સુલમાં ત્રાટકેલા તોફાને ભારે તબાહી મચાવી છે. હેલિકોપ્ટરની મદદથી લોકોને બચાવવામાં આવી રહ્યા છે. એક મીડિયા અહેવાલ મુજબ આગામી દિવસોમાં વધુ વરસાદની સંભાવના છે. એવી આશંકા છે કે પોર્ટો એલેગ્રે અને તેની આસપાસના શહેરો વધુ પાણીથી છલકાઈ જશે. અહીંના રસ્તાઓ પહેલેથી જ પાણીમાં ડૂબી ગયા છે.

આ દરમિયાન પૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે પૂરના કારણે બ્રાઝિલનો એક ઘોડો ઘરની છત પર ફસાઈ ગયો હતો. ઘોડો કેનોઆસ શહેરમાં એક પાતળા છત પર સંતુલિત ઊભો હતો.

જોકે, ઘોડાને બચાવી લેવામાં આવ્યો છે. બચાવકર્મીઓએ બોટની મદદથી તેને ત્યાંથી બહાર કાઢ્યો હતો. અગ્નિશામકો અને પશુચિકિત્સકો આંશિક રીતે ડૂબી ગયેલી છત પર ચઢી ગયા. ઘોડાને બેભાન કરી દીધો જેથી તે શાંત રહે. પછી તેને બોટ પર બેસાડવામાં આવ્યો. આ કામગીરીમાં આવી ચાર બોટ અને ચાર સહાયક જહાજોની મદદ લેવામાં આવી હતી. અગ્નિશામક, સૈનિકો, પશુચિકિત્સકો ઉપરાંત ઘણા સ્વયંસેવકો પણ સામેલ હતા.

કેનોઆસ શહેરનો મોટા ભાગનો વિસ્તાર પૂરના પાણીથી ભરાઈ ગયો છે અને બાકીના શહેરથી સંપૂર્ણપણે કપાઈ ગયો છે. અન્યત્ર પણ પૂરના કારણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પુલોનો નાશ થયો છે. અનેક સુપરમાર્કેટમાંથી લૂંટના અહેવાલો પણ આવ્યા છે.