બોટાદના આનંદ મેળામાં કરંટ લાગતા ૧૦ વર્ષના વંશ હિરાણીનું મોત, પરિવાર પર તૂટી પડ્યું આભ

બોટાદ, આનંદ મેળો ફરી એકવાર બાળકના મોતનું કારણ બન્યો છે. ગૌરીવ્રત પૂર્ણ થયું છે અને શ્રાવણની શરુઆત થઈ રહી છે ત્યારે રાજ્યમાં ઠેર-ઠેર આનંદ મેળા જામી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં મેળાઓનું આકર્ષણ વધુ રહેતું હોય છે ત્યારે બોટાદમાં બનેલી કરંટ લાગવાની ઘટનામાં ૧૦ વર્ષના બાળકનો જીવ ગયો છે. આ ઘટના બાદ મેળામાં આવેલા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતક દીકરાના પિતાએ જવાબદારો સામે કડકમાં કડક પગલાં ભરવાની માગણી કરી છે.

મેળામાં પરિવાર હસી-ખુશી સાથે ગયો હતો પરંતુ જ્યારે પરત ફર્યો ત્યારે ભારે ગમમાં હતો, કારણ કે તેમણે પોતાનો ૧૦ વર્ષના માસૂમને મેળામાં બનેલા અકસ્માતના કારણે ગુમાવી દીધો હતો. આનંદ મેળામાં બાળક એક થાંભલાને અડકી ગયા બાદ ત્યાં ચોંટી ગયો હતો અને તેનો જીવ જતો રહ્યો હતો.

ચકડોળની નજીક જે લોખંડનો થાંભલો નાખેલો હતો ત્યાંથી વંશ હિરાણી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન તેણે થાંભલો પકડતા તે ચોંટી ગયો હતો. લોકોનું ધ્યાન પડતા તેને વીજ કરંટથી અલગ પાડવાના પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહોતો.

ઘટના બાદ વંશના પિતા અશોક હિરાણીએ મેળાના સંચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે. આ સાથે તેમણે કહ્યું કે અમે દીકરો ગુમાવી દીધો છે તેમ છતાં અહીં મેળો ચાલી રહ્યો છે. જવાબદારો સામે યોગ્ય પગલાં ભરાવવા જોઈએ.

વંશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને વધુ કાર્યવાહી સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. બોટાદના પાળિયાદ રોડ પર આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં તથા રાજ્યના અન્ય ભાગોમાં શ્રાવણ માસ દરમિયાન મેળા જામતા હોય છે જેમાં રાઈડ તૂટી પડવાની અને અકસ્માતો થવાની દુર્ઘટના સર્જાતી હોય છે.