
આણંદ જિલ્લાના બોરસદ ગામમાં જાહેર રોડ પર યુવકની હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. માથાભારે શખ્સે ચપ્પાં વડે હુમલો કરી પોતાની મંગેતરના પ્રેમીને મોતને ઘાટ ઉતાર્યો છે. આ અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી, ગણતરીના કલાકોમાં જ હત્યારાને ઝડપી પાડી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બોરસદ તાલુકાના ગોરેલ ગામમાં આવેલ રેલ્વેફાટક સામે ખેતરમાં રહેતાં 25 વર્ષીય કમલેશ ઉર્ફે કમો ઉર્ફે ભુરો કાંતીભાઇ ઠાકોરને થોડા સમય અગાઉ ગામમાં જ રહેતી એક યુવતી સાથે પ્રેમસબંધ બંધાયો હતો. બીજી બાજુ આ યુવતીની સગાઈ બોરસદ ગામમાં આવેલ તોરણાવમાતા સીમમાં રહેતા વિશાલ ઉર્ફે બકી જયંતીભાઇ પરમાર સાથે નક્કી થઈ હતી. જે બાદ પણ આ યુવતી અને કમલેશ ઉર્ફે કમો વચ્ચે પ્રેમસબંધ ચાલુ જ હતો. આ પ્રેમસબંધ અંગેની જાણ યુવતીના મંગેતર વિશાલ ઉર્ફે બકી જયંતીભાઇ પરમારને થઈ હતી. જેથી આ યુવતી અને તેના મંગેતર વિશાલ વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હતી.
ગતરોજ રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં આ યુવતી નોકરી ઉપરથી છુટીને ઘરે જતી હતી. તે વખતે મંગેતર વિશાલે આ યુવતીને વારંવાર ફોન કર્યાં હતાં. પરંતુ, યુવતીએ ફોન ઉપાડ્યાં ન હતાં. આ યુવતી અંજલી હોસ્પિટલથી થોડે દુર વેદાન્ત પાર્ટી પ્લોટ સામેથી પસાર થતી હતી. તે વખતે આ વિશાલ બાઈક લઈને ત્યાં પહોંચ્યો હતો અને તુ મારો ફોન કેમ ઉપાડતી નથી ? તેમ કહીને ઉંચા અવાજે બૂમો પાડી યુવતી સાથે ઝઘડો કર્યો હતો. આ દરમિયાન યુવતીનો પ્રેમી કમલેશ બાઇક લઈને ત્યાં આવી ચડ્યો હતો અને તેણે તુ સેજલ સાથે કેમ ઝગડો કરૂ છું ? તેમ કહી વિશાલને ઠપકો આપ્યો હતો. જેથી વિશાલે એકદમ ઉશ્કેરાઈ જઈ કમલેશ સાથે ઝપાઝપી કરી હતી. જે બાદ વિશાલે ખિસ્સામાંથી ચપ્પું કાઢી કમલેશને મારી દીધું હતું. જેથી કમલેશ લોહીલુહાણ હાલતમાં જમીન પર પટકાયો હતો. જે બાદ વિશાલ આ કમલેશ ઉપર ચઢી જઈ તેને હાથ-પગ, માથા, કાન, છાતી તેમજ પેટના ભાગે ચપ્પાના ઘા મારી, આંતરડું પણ બહાર કાઢી નાંખ્યું હતું.
દરમિયાન ત્યાં હાજર યુવતીએ બુમાબુમ કરી મુકતાં બે યુવકો દોડી આવ્યાં હતાં. જેથી આ વિશાલ ભાગી ગયો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા કમલેશને સારવાર અર્થે સૌપ્રથમ ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયાં હતાં. જે બાદ વધુ સારવાર અર્થે બોરસદ સરકારી હોસ્પિટલમા લઈ જવાયાં હતાં. જ્યાં ફરજ પરના તબીબે તપાસ્યાં બાદ કમલેશ ઉર્ફે કમો ઉર્ફે ભુરો કાંતીભાઇ ઠાકોરને મૃત જાહેર કર્યાં છે.
