મુંબઇ,
મહારાષ્ટ્રના અહમદનગરમાં પાંચ વર્ષનો છોકરો બોરવેલમાં પડી ગયો. માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કાર્યમાં લાગી ગઈ હતી. પરંતુ નવ કલાકની મહેનત બાદ પણ બાળકનો જીવ બચાવી શકાયો ન હતો. આપને જણાવી દઈએ કે, રમતા રમતા બાળક ૧૫ ફૂટ ઊંડા બોરવેલમાં ફસાઈ ગયું હતું. અહમદનગરના કોપરડી ગામની આ ઘટના છે.
ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતુ કે બાળક સોમવારે સાંજે લગભગ ૪ વાગ્યે બોરવેલમાં પડી ગયુ હતુ. ત્યારે કોઈએ ફોન કરીને ઘટનાની જાણ કરી હતી. એનડીઆરએફની ૪ ટીમ બાળકને બચાવવામાં લાગી ગઈ હતી. અધિકારીઓ ઉપરથી બાળક સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ,બાળક કોઈ જવાબ આપતો ન હતો. જાણકારી મુજબ બાળક સાંજે રમી રહ્યો હતો, તે દરમિયાન તે લપસીને બોરવેલમાં પડી ગયો. અધિકારીઓએ જણાવ્યું કે આરોગ્ય કર્મચારીઓની એક ટીમ પહેલાથી જ બાળકની મદદ માટે તૈયાર હતી. બાળકને બોરવેલમાંથી બહાર કાઢતાં જ તેની તબિયતની તપાસ કરવામાં આવી હતી. પરંતુ, તે પહેલા જ તે મૃત્યુ પામ્યો હતો. જેસીબી મશીનની મદદથી બોરવેલની આજુબાજુની માટી કાઢવામાં આવી હતી.બીજી તરફ બાળકના મોત બાદ પરિવારજનોમાં આક્રંદ જોવા મળી રહ્યો છે.
આ પહેલા ઉત્તર પ્રદેશના હાપુડમાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી. થોડા દિવસો અગાઉ છ વર્ષનો છોકરો ૪૦ ફૂટ ઊંડા બોરવેલમાં પડ્યો હતો. જો કે રેસ્ક્યુ ટીમે તેને સુરક્ષિત બચાવી લીધો હતો. બીજી તરફ મધ્યપ્રદેશના બેતુલમાં પણ આઠ વર્ષનો બાળક બોરવેલમાં આવી જ રીતે પડી ગયો હતો. આઠ વર્ષના બાળકનું નામ તન્મય સાહુ હતું. રેસ્ક્યુ ટીમે શક્ય તમામ પ્રયાસ કર્યા હતા, પરંતુ બાળકને બચાવી શકાયો નહોતો.