અમદાવાદમાં શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલમાં ગઈકાલે એસીમાં શોર્ટ સકટ થતા આગ લાગવાની ઘટના બની હતી. જે બાદ શાળા દ્વારા આ સમગ્ર ઘટનાને છુપાવવામાં આવી હતી અને વાલીઓને પણ આ અંગે કોઈ જ જાણ કરવામાં આવી ન હતી. બાળકોને પણ ફાયરની મોકડ્રીલ ચાલતી હોવાથી તાત્કાલિક બહાર નીકળો એ રીતની બનાવટ કરીને બહાર લઈ જવાયા હતા. જો કે શાળાના બાળકોએ જ શાળા દ્વારા ચલાવાયેલા જુઠાણાનો પર્દાફાશ કર્યો અને વાલીઓને જાણ કરતા મોટી સંખ્યામાં વાલીઓએ શાળા પર હલ્લાબોલ કર્યો હતો.
સૌપ્રથમ તો વાલીઓ સમક્ષ મેનેજમેન્ટ એ વાત સ્વીકારવા તૈયાર જ ન હતુ કે શાળામાં આગ લાગી હતી. જો કે બાળકોને જણાવ્યા મુજબ એક વર્ગખંડમાં એસીમાં શોર્ટ સકટને કારણે મોટાપાયે બ્લાસ્ટ થયો હતો અને આગ ફેલાઈ ગઈ હતી. ઘટનાના પ્રત્યક્ષદર્શી બાળકો પણ આ જોઈને ડરી ગયા હતા અને ચારથી પાંચ બાળકો બેભાન પણ થઈ ગયા હતા. આટલી મોટી દુર્ઘટના સર્જાઈ હોવા છતા શાળા તેને મોકડ્રીલ હોવાનુ કહી સમગ્ર ઘટના પર ઢાંકપીછોડો કરવાનો પ્રયાસ કર્યો. જેના કારણે વાલીઓનો આક્રોષ ભભુકી ઉઠ્યો હતો.
આ સમગ્ર મામલે વાલીઓની ફરિયાદ બાદ શાંતિ એશિયાટિક સ્કૂલને આગની ઘટનાની સંપૂર્ણ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ ગ્રામ્ય ડીઇઓ કૃપા ઝાના જણાવ્યા મુજબ બાળકો માટે શાળાનું બિલ્ડીંગ સલામત છે કે કેમ તે સુનિશ્ર્ચિત થયા બાદ જ શાળાને ખોલવાની પરવાનગી આપવામાં આવશે. ત્યાં સુધી શાળા પાસેથી પણ એવી લેખિત બાંહેધરી લેવામાં આવશે કે બાળકોના શિક્ષણ સાથે કોઈ ચેડા કે કોઈ સમાધાનકારી વલણ નહીં અપનાવે.
કૃપા ઝા દ્વારા એ પણ સુનિચ્છિત કરાયુ છે કે બાળકોને નિયમિત રીતે ઓનલાઈન શિક્ષણ મળી રહે તે પ્રકારે શાળાએ ફરજિયાત વ્યવસ્થા કરી દેવાની રહેશે. તપાસને લઈને જરૂરી તમામ કાર્યવાહી કરવામાં આવશે. શાળા સામે જે પણ કાયદાકીય કાર્યવાહી કરવાની જરૂર લાગશે તે અચૂક કરવામાં આવશે. કોઈપણ ગેરરીતિ થયાનુ યાનમાં આવશે તો નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે.ડીઇઓએ વાલીઓને આશ્ર્વસ્ત કરતા જણાવ્યુ છે કે બાળકોની સલામતી સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ચલાવી લેવામાં નહીં આવે.
ગઈકાલે લાગેલી આગને છુપાવવા માટે શાળા દ્વારા રાતોરાત કલરકામ કરી દેવામાં આવ્યુ . બેઝમેન્ટના રૂમમાં લાગેલી આગ બાદ રૂમને યલો કલરથી પેઈન્ટ કરી દેવામાં આવ્યો. વાલીઓના જણાવ્યા મુજબ બહાર તેમણે આ કલરના કેન પણ બહાર પડેલા જોયા હતા. આગની ઘટનાના પુરાવા છુપાવવા શાળા દ્વારા વ્હાઈટ દિવાલને ઓરેન્જ પેઈન્ટ કરવામાં આવ્યો છે, છતા વાલીઓની અને બાળકોની જાગૃતિના કારણે સ્કૂલના પાપનો પર્દાફાશ થયો છે. એક્તરફ રાજકોટ અગ્નિકાંડના પડઘા હજુ શમ્યા નથી ત્યાં આ પ્રકારની મોટી બેદરકારી વધુ એક સ્કૂલ દ્વારા સામે આવી છે. એક્તરફ ચોરી ઉપરથી સીના જોરી જેવુ શાળા મેનેજમેન્ટનુ વલણ જોવા મળ્યુ. વાલીઓને જવાબ ન આપવા, વાલીઓ પૂછે તો ઉડાઉ જવાબ આપવા, જુઠાણુ ફેલાવવુ, આટલી મોટી દુર્ઘટના પ્રત્યે વાલીઓને અને બાળકોને અંધારામાં રાખવા જેવી અનેક ગંભીર બેદરકારી દાખવનારી આ શાળા સામે હવે શું કાર્યવાહી થાય છે તે જોવુ રહ્યુ.
આ તરફ વાલીઓનો આક્રોષ હજુ શમ્યો નથી. વાલીઓની એવી પણ દલીલ છે કે મસમોટી રકમની ફી વસુલતી શાળાની બેદરકારીના પાપે હવે તેમના બાળકોને ભોગવવાનું આવ્યુ છે. ઓનલાઈન શિક્ષણમાં અનેક ક્ષતિઓ હોવાથી વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ બગડે છે. મોટી સંખ્યામાં નેટ શરૂ હોવાથી ઈન્ટરનેટના કનેક્શનના પણ ઈશ્યુ સામે આવતા હોય છે. નેટના ખર્ચા પણ વાલીઓએ જ ભોગવવાના પડે છે.વાલીઓની દલીલ છે કે એક્તરફ તોતિંગ ફી પણ અમે ભરીએ અને હવે ઈન્ટરનેટના ખર્ચા કરવાના! હાલ શાળાની બેદરકારૂના કારણે આ તમામ બાબતે હાલ વાલીઓ પણ ચિંતિત બન્યા છે.