બોમ્બેમાં યોજાયેલા નાટકમાં ભગવાન રામ અને સીતાનું અપમાન, વિદ્યાર્થીઓને ૧.૨ લાખનો દંડ

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (આઇઆઇટી) બોમ્બેએ, ગત ૩૧ માર્ચે ઇન્સ્ટિટ્યૂટના પર્ફોમગ આર્ટ ફેસ્ટિવલ દરમિયાન ‘રાહોવન’ નામનુ નાટક ભજવવા બદલ ૮ વિદ્યાર્થીઓ પર ભારે દંડ ફટકાર્યો છે. નાટક રામાયણનું અનુકરણ હોવાનું માનવામાં આવે છે. વિદ્યાર્થીઓના એક વર્ગે આ નાટક સામે ઔપચારિક રીતે ફરિયાદ કરી હતી, એવો આક્ષેપ કર્યો હતો કે તે હિંદુ મહાકાવ્ય રામાયણ પર આધારિત છે અને તેમાં હિંદુ માન્યતાઓ અને દેવી-દેવતાઓના અપમાનજનક સંદર્ભો છે.

અહેવાલ અનુસાર, કેટલાક વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે, નાટકમાં મુખ્ય પાત્રોની મજાક ઉડાવવામાં આવી હતી અને “નારીવાદને પ્રોત્સાહન”ની આડમાં સાંસ્કૃતિક મૂલ્યોની મજાક ઉડાવવામાં આવી હતી. ફરિયાદોને કારણે ૮ મેના રોજ, આઈઆઈટી બોમ્બેની શિસ્ત સમિતિની બેઠક મળી હતી. જેમાં લેવાયેલા નિર્ણયને પગલે, ગત ૪ જૂને વિદ્યાર્થીઓ પર દંડની જાહેરાત કરવામાં આવી હતી.

આઈઆઈટી બોમ્બેએ ચાર વિદ્યાર્થીઓમાંથી પ્રત્યેકને રૂપિયા ૧.૨ લાખનો દંડ ફટકાર્યો છે. વિદ્યાર્થીઓને ફટકારવામાં આવેલ દંડની રકમ લગભગ એક સેમેસ્ટરની ટ્યુશન ફીની સમકક્ષ રકમ છે. જ્યારે આ ઉપરાંત ચાર વિદ્યાર્થીઓને રૂપિયા ૪૦,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો. સ્નાતક થયેલા વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓને આપવામાં આવતા સંસ્થાના જીમખાના પુરસ્કારો પર પ્રતિબંધ સહિત વધારાના નિયંત્રણો પણ લાદવામાં આવ્યા છે. તો જુનિયર વિદ્યાર્થીઓને હોસ્ટેલની સુવિધાથી વંચિત રાખવામાં આવ્યા હતા.

૨૦ જુલાઈ, ૨૦૨૪ના રોજ ડીન ઑફ સ્ટુડન્ટ અફેર્સની ઑફિસમાં, વિદ્યાર્થીઓને ફટકારવામાં આવેલા દંડનું મૂલ્યાકન કરવામાં આવશે કરવામાં આવશે. સંસ્થાએ એવી ચેતવણી પણ ઉચ્ચારી છે કે, આ દંડનું કોઈપણ ઉલ્લંઘન વધુ પ્રતિબંધોમાં પરિણમશે.

અહેવાલ અનુસાર, સોશિયલ મીડિયા પર આ વિવાદે ત્યારે વેગ પકડ્યો જ્યારે ‘આઈઆઈટી બી ફોર ઈન્ડિયા’ જૂથે ૮ એપ્રિલે નાટકની નિંદા કરી હતી. તેને ભગવાન રામ અને રામાયણનો ઉપહાસ ગણાવ્યો. આઈઆઈટી બી ફોર ઈન્ડિયા જૂથે પ્રદર્શનમાંથી વીડિયો ક્લિપ્સ પોસ્ટ કરવા સાથે આક્ષેપ કર્યો કે, વિદ્યાર્થીઓએ રામાયણના પાત્રોનો ઉપહાસ કરવા માટે શૈક્ષણિક સ્વતંત્રતાનો દુરુપયોગ કર્યો છે.

ઇન્ટરનેટ પર વાયરલ થયેલો વીડિયો કથિત રીતે વિદ્યાર્થીઓને રામાયણના પાત્રો અને પ્લોટ સેટિંગ્સથી પ્રેરિત નાટક રજૂ કરતા બતાવે છે. એક વીડિયોમાં, એક વિદ્યાર્થી, કથિત રીતે સીતાની ભૂમિકા ભજવી રહ્યો છે, તેમાં “અપહરણર્ક્તાઓ” અને તેને જ્યાં લઈ જવામાં આવ્યા હતા તેની પ્રશંસા કરે છે.

અહેવાલ અનુસાર, ‘આઈઆઈટી બી ફોર ઈન્ડિયા’ જૂથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર જણાવ્યું હતું કે. “અમે આઇઆઇટી બોમ્બે પ્રશાસન દ્વારા રામાયણને અપમાનજનક રીતે દર્શાવતા નાટક ‘રાહોવન’માં સામેલ લોકો સામે લેવામાં આવેલી શિસ્તભંગની કાર્યવાહીનું સ્વાગત કરીએ છીએ,”કેમ્પસમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાની આડમાં કોઈ ધર્મની મજાક ઉડાડવી ના જોઈએ.”