મુંબઇ, વહીદા રહમાને ફિલ્મોને લઈને તેમની યાદગાર વસ્તુઓને ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશનમાં દાન કરી છે. ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશનમાં સેલિબ્રિટીઝ અને ફિલ્મોને લઈને ઘણી વસ્તુઓને સાચવીને રાખવામાં આવે છે. તેમને ૧૯૭૨માં પદ્મશ્રી અવૉર્ડ, ૨૦૧૧માં પદ્મ ભૂષણ અવૉર્ડ મળી ચૂક્યો છે અને ગયા વર્ષે તેમને દાદાસાહેબ ફાળકે અવૉર્ડ પણ આપવામાં આવ્યો હતો. તેમણે પાંચ દાયકામાં ૯૦થી વધુ ફીચર ફિલ્મોમાં ગુરુ દત્ત, સત્યજિત રે, બાસુ ભટ્ટાચાર્ય અને યશ ચોપડા જેવા ઘણા અદ્ભુત ફિલ્મમેર્ક્સ સાથે કામ કર્યું હતું.
૧૯૫૬માં આવેલી સીઆઇડીમાં તેમણે જે સાડી પહેરી હતી એ, ‘કાગઝ કે ફૂલ’, ‘ચૌદવહીં કા ચાંદ’, ‘સાહિબ બીબી ઔર ગુલામ’ અને ‘બાત એક રાત કી’માં દેખાડવામાં આવેલા તેમના ફોટોઝ, આલબમ અને લૉબી કાર્ડ્સ તેમણે ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશનને દાન કર્યાં છે. આ બાબતે વાત કરતાં વહીદા રહમાને કહ્યું કે ‘હું આ વસ્તુઓ ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશનને આપી રહી છું, કારણ કે આ ખૂબ જ મહત્ત્વની યાદો છે જેને સાચવવી જરૂરી છે. ફિલ્મ વિશે શીખનારા અને ઇન્ડિયન સિનેમાના ઇતિહાસમાં રસ દેખાડનારા લોકો આ વસ્તુઓને અહીં જોઈ શકશે. આશા રાખું છું કે આ આલબમને જોવામાં લોકોને મજા આવશે.’