
મુંબઇ, બોલિવૂડના સ્ટાર્સ પોતાના લૂકને લઈને એકદમ ગંભીર હોય છે. તેઓ પોતાના મેક-અપથી લઈને પોતાના ડ્રેસ સુધીની તમામ બાબતોનું ખાસ ધ્યાન રાખતાં હોય છે.
આકર્ષક દેખાવા માટે તેઓ સતત કંઈકને કંઈક નવું કરતા રહેતાં હોય છે. તાજેતરમાં એક મુલાકાતમાં અભિનેતા આયુષ્યમાન ખુરાનાએ બોલિવૂડમાં ભાડાના ચલણ પર મોટું નિવેદન કર્યું છે. તેણે બોલિવૂડ સ્ટાર્સના કપડાંને લઇને ચોંકાવનારું નિવેદન આપી દીધું છે. અભિનેતાએ જણાવ્યું હતું કે તે એક ખુલ્લું રહસ્ય છે કે મોટાભાગના બોલિવૂડ સ્ટાર્સ ટ્રેન્ડની સાથે જળવાઈ રહેવા માટે કપડાં ખરીદવાના બદલે તેને ભાડા પર વસાવે છે. આ દરમિયાન તેણે પોતાના ભાઈ અને અભિનેતા અપારશક્તિ ખુરાના સાથે જોડાયેલો એક કિસ્સો પણ શેર કર્યો હતો. અભિનેતાઓ એક યૂ-ટયૂબ ચેનલ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે આખું બોલિવૂડ ભાડા પર ચાલે છે. તમને લાગે છે કે અમે કપડાં ખરીદતાં હોઈશું?
સ્ટાઇલિસ્ટોને કામ પર રાખીએ છીએ, તેમની પાસેથી કપડાં લઈએ છીએ અને પરત આપી દઈએ છીએ. અમે આટલા બધા કપડાં કેવી રીતે લઈ શકીએ? આયુષ્યમાન દિલજીત દોસાંજની સ્ટાઇલ અને તેની વૈશ્ર્વિક રિચની પ્રશંસા કરતાં કહે છે કે મને દિલજીત દોસાંજની સ્ટાઇલ પસંદ છે.