બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતા હોય છે. તે બોલીવુડથી લઈને સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર પોતાના વિચારો સોશિયલ મીડિયા પર ફેન્સ સામે રજુ કરતા હોય છે. આટલું જ નહીં તે તેમના પિતાની કવિતાઓ અને પોતાની લાઈનો પણ શેર કરતા હોય છે. આ દરમિયાન જો તેમની પોસ્ટમાં કોઈ ભૂલ હોય, તો તેમના ફેન્સ પણ તેને સુધારવાની સલાહ આપતા હોય છે, જે પછી હવે બિગ બીએ ટ્વિટરના માલિક ઇલોન મસ્કને હાથ જોડીને ટ્વિટરમાં એક એડિટ બટન આપવાની વિનંતી કરી છે.
અમિતાભ બચ્ચને ગઈકાલે રાત્રે ટ્વિટર પર એક પોસ્ટ કરી હતી. તેમની આ પોસ્ટ ટ્વિટરના માલિક ઈલોન મસ્કના નામે છે, જેમાં તેમણે લખ્યું છે, ’અરે, ટ્વિટરના માલિક ભાઈ આ ટ્વિટર પર એક એડિટ બટન પણ લગાવી દો પ્લીઝ વારંવાર જ્યારે ભૂલ થઈ જાય છે અને શુભચિંતકો જણાવે છે, ત્યારે આખી ટ્વીટ ડિલીટ કરવી પડે છે અને ખોટી ટ્વિટ સુધાર્યા પછી, તેને ફરીથી છાપવી પડે છે. હાથ જોડી રહ્યો છું.’
અમિતાભ બચ્ચન પોતાની ટ્વિટને નંબર આપતા હોય છે. તેમના લેટેસ્ટ ટ્વિટની આગળ ટી ૪૬૨૨ લખેલું છે. ક્યારેક આ નંબરો લખવામાં પણ ભૂલ થાય છે. દરેક વ્યક્તિ જાણે છે કે ટ્વીટ પોસ્ટ કર્યા પછી એડિટ કરી શકાતી નથી, તેને ડિલીટ કરવી એ જ એકમાત્ર ઉપાય હોય છે. આ જ કારણ છે કે અમિતાભ બચ્ચન ટ્વિટરના માલિકથી એડિટ બટનની માંગ કરી રહ્યા છે.