
મુંબઇ, હાલ ૨૦૨૪ની લોક્સભા ચૂંટણીની તૈયારીઓમાં તમામ રાજકીય પક્ષો વ્યસ્ત છે. સાથે જ સમગ્ર જ્ઞાતિ સમીકરણને જોતા કઇ બેઠક પર કયો ઉમેદવાર ફિટ બેસે છે તે અંગે મંથન ચાલી રહ્યું છે. એવામાં આ દરમિયાન ચર્ચાઓનું બજાર પણ ગરમ છે. હાલ મળતી માહિતી મુજબ આ ચૂંટણીમાં બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચનનો પુત્ર અભિષેક બચ્ચન પણ રાજકારણમાં પ્રવેશ કરી શકે છે. નોંધનીય છે કે અભિષેકના પિતા અમિતાભ બચ્ચન અલ્હાબાદથી સાંસદ રહી ચૂક્યા છે. સાથે જ તેમની માતા જયા બચ્ચન પણ સપા તરફથી રાજ્યસભા સાંસદ છે.
જણાવી દઈએ કે અભિનેતા અભિષેક બચ્ચનની ચૂંટણીને લઈને રાજકીય બજાર ગરમ થઈ ગયું છે. એવી અટકળો ચાલી રહી છે કે અભિષેક બચ્ચન દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાંથી રાજકારણમાં ઉતરશે. મળતી જાણકારી મુજબ અભિષેક બચ્ચન સમાજવાદી પાર્ટીની ટિકિટ પર અલ્હાબાદ બેઠક પરથી લોક્સભા ચૂંટણી લડી શકે છે. જો કે સપા તરફથી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી કે ન તો બચ્ચન પરિવારમાંથી કોઈએ આ વિશે નિવેદન આપ્યું નથી. પરંતુ ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે કે અભિષેક બચ્ચન ૨૦૨૪માં અલ્હાબાદ લોક્સભા બેઠક પરથી ચૂંટણી લડશે.