બોલિવૂડ અભિનેતાઓ રેપિસ્ટ-હત્યારાનો રોલ કરવામાં પણ જરાય શરમ નથી,ફિલ્મ ડાયરેક્ટર ઓનિર

મુંબઇ, બોલિવૂડમાં એલજીબીટીકયુ પાત્રોને જોવા એ પબ્લિક માટે આજે પણ એક દુર્લભ વાત છે. આજના યુગમાં આપણે બધાને ઓટીટી પર કેટલાય શો અને ફિલ્મો જોવા મળે છે, પરંતુ બોલિવૂડના ઘણા કલાકારો આજે પણ ગે યુવક જેવું પડકારજનક પાત્ર ભજવતાં ખચકાય છે.ડાયરેક્ટર ઓનિરે આ ફિલ્મ વિશે તેમના ઈન્ટરવ્યૂમાં વાત કરતા કહ્યું છે કે, ’બોલિવૂડના અભિનેતાઓને બળાત્કારીઓ અને હત્યારાઓની ભૂમિકા ભજવવામાં જરાય શરમ નથી, પરંતુ ગે નો રોલ ભજવવાથી તેમને વાંધો છે.’

સિદ્ધાર્થ કાનનને આપેલા આ ઈન્ટરવ્યૂમાં ઓનિરે તે સમયને યાદ કર્યો જ્યારે તેમણે એક મોટા બોલિવૂડ સ્ટારને શેક્સપિયરની હેમલેટ પરથી તૈયાર કરેલી સ્ક્રિપ્ટ સંભળાવી હતી. આ સ્ટોરીમાં ગે ટ્વિસ્ટ હતો. ઓનિરે કહ્યું કે, ’આ અભિનેતાઓ ગે યુવકના રોલમાં એકબીજા સાથે આત્મીયતા બતાવવામાં પણ અચકાય છે. જો કોઈને ક્સિ કરવાની હોય તો પણ તેમા કોઈ જુસ્સો નથી હોતો. ઘણાં કલાકારો મને કહે છે કે, તેમને મહિલાઓ સાથે ઈન્ટિમેટ સીન કરવામાં કોઈ વાંધો નથી. જો કે આ એક એક્ટિંગ છે, તમારે તેમાં આનંદ નથી લેવાનો.’

આ દરમિયાન ઓનિરે કહ્યું કે, ’બોલિવૂડના અભિનેતાઓને બળાત્કારીનું પાત્ર ભજવવાની શરમ નથી, તેમને હત્યારાનો રોલ કરવામાં પણ વાંધો નથી, પરંતુ એક સુંદર ગે નો રોલ ભજવવામાં તેમને ડર લાગે છે. તેઓ વૈચારિક દૃષ્ટિએ હજુ આગળ નથી વયા. જો તમે હોલિવૂડમાં જોશો તો મોટા-મોટા કલાકારો ગે નો રોલ ભજવી ચૂક્યા છે.’

ઓનિર સાથે વાતચીત દરમિયાન પૂછવામાં આવ્યું કે, ’શું તમે શાહરુખ ખાન કે સલમાન ખાને જેવા મોટા સ્ટારને ગે યુવકનો રોલ કરવા માટે ઓફર કરશો.’ તેના તેના જવાબમાં ઓનિરે એક મોટા કલાકારને આવી ફિલ્મ ઓફર કર્યાની રમૂજી ઘટના યાદ કરી હતી. ઓનિરે કહ્યું કે, ’જ્યારે હું દક્ષિણ ભારતીય સિનેમામાં મામૂટી જેવા અભિનેતાને ગે યુવકનો રોલ ભજવતાં જોવું છું, ત્યારે મને ગર્વ થાય છે કારણ કે કમસે કમ કેરળ ફિલ્મ ઈન્ડસ્ટ્રી તેને અપનાવી રહી છે. મને યાદ છે કે થોડા વર્ષો પહેલા હું હેમલેટનું ગે વર્ઝન બનાવવા માંગતો હતો ત્યારે મેં એક બોલિવૂડના મોટા કલાકાર સાથે વાત કરી હતી. હું તેને સ્ક્રિપ્ટ સંભળાવી રહ્યો હતો ત્યારે તે રીતસરનો સોફા પરથી નીચે પડી ગયો હતો અને મને કહેવા લાગ્યો કે તમે વિચારી પણ કેવી રીતે શકો કે હું ગે યુવકનો રોલ કરીશ!’

આ વાત આગળ વધારતા ઓનિરે કહ્યું કે, ’હું દિવંગત ફિલ્મ નિર્માતા રિયાદ વાડિયાની બાયોપિક બનાવવા માંગતો હતો. ફિલ્મ નિર્માતા પરિવાર તરફથી મને આશ્વાશન પણ અપાયું હતું, પરંતુ કમનસીબી કે આ ફિલ્મ માટે હું કોઈ અભિનેતાને મનાવી શક્યો નહીં. જ્યારે કોઈ અભિનેતાને વાત કરતાં ત્યારે તેમના તરફથી જવાબ મળતો કે હું હાલમા વ્યસ્ત છું. અથવા તો પ્રેમથી ઓફર જ નકારી દેતા.’ જો કે ઓનિર ભારપૂર્વર જણાવે છે કે, ’આ બાબતે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મારી સાથે કોઈએ ખરાબ વ્યવહાર નથી કર્યો.’