ભોપાલ,
રાહુલ ગાંધીની ’ભારત જોડો યાત્રા’ હાલમાં મધ્યપ્રદેશ માંથી પસાર થઈ રહી છે. ફિલ્મ અભિનેત્રી સ્વરા ભાસ્કર પણ ગુરૂવારના રોજ મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતેથી આ પદ યાત્રામાં સામેલ થઈ હતી. કોંગ્રેસ પાર્ટીએ પોતાના ટ્વિટર દ્વારા રાહુલ ગાંધી અને સ્વરાની એક તસવીર શેર કરી હતી. તેના કેપ્શનમાં લખ્યું હતું કે, ’આજે પ્રસિદ્ધ અભિનેત્રી સ્વરા ભાસ્કર ભારત જોડો યાત્રાનો ભાગ બની છે. સમાજના દરેક વર્ગની હાજરીની આ યાત્રાને સફળ બનાવી છે.’
સાંપ્રત મુદ્દાઓ પર પોતાના અભિપ્રાયો માટે જાણીતી સ્વરા ભાસ્કરે કોંગ્રેસ પાર્ટીની પોસ્ટને રીટ્વિટ કરી હતી. તમને જણાવી દઈએ કે. આ અગાઉ અમોલ પાલેકર, સંયા ગોખલે, પૂજા ભટ્ટ, રિયા સેન, સુશાંત સિંહ, મોના અમ્બેગાંવકર, રશ્મિ દેસાઈ અને આકાંક્ષા પુરી જેવી સિને જગતની હસ્તીઓએ યાત્રામાં ભાગ લીધો હતો. સપ્ટેમ્બરના અંતમા ટ્વિટર પર હોલિવુડ સ્ટાર જ્હોન ક્યૂસેકે પણ કોંગ્રેસના જનસંપર્ક કાર્યક્રમને પોતાનું સમર્થન આપ્યું હતું.
રાહુલ ગાંધીની આ યાત્રા ૧૨ દિવસની અંદર પશ્ચિમ મધ્યપ્રદેશ ના રાજકીય રીતે મહત્વપૂર્ણ માલવા-નિમાડ વિસ્તારમાં ૩૮૦ કિમીનું અંતર કાપશે. કેન્દ્રશાસિત રાજ્યમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ આ યાત્રા ૪ ડિસેમ્બરના રોજ મયપ્રદેશથી રાજસ્થાનમાં પ્રવેશ કરશે. ’ભારત જોડો યાત્રા’ ૭ સપ્ટેમ્બરના રોજ તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થઈ હતી, જે કાશ્મીર સુધઈ ચાલશે.