મુંબઇ, બોલિવૂડ અભિનેતા આફતાબ શિવદાસાની સાયબર છેતરપિંડીનો શિકાર બન્યો છે અને તેની પાસેથી ૧.૫ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. સાયબર ઠગોએ તેમના ખાનગી બેંકના ખાતામાંથી કેવાયસી કરાવવાના નામે ૧.૫ લાખની છેતરપિંડી કરી હતી. આ અંગે પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
આ સમગ્ર મામલે બાંદ્રા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના રવિવારે બની હતી અને બીજા દિવસે આ મામલે કેસ નોંધવામાં આવ્યો હતો. તેણે કહ્યું, ‘અભિનેતાને અજાણ્યા મોબાઈલ નંબર પરથી મેસેજ મળ્યો હતો. તે મેસેજમાં તેને બેંક સંબંધિત કેવાયસીની માહિતી અપડેટ કરવાની સૂચના આપવામાં આવી હતી અને જો તે આમ નહીં કરે તો તેને એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી હતી. આફતાબ શિવદાસાનીએ તે મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કર્યું હતું. ત્યાર બાદ તેણે અન્ય સૂચનાઓનું પાલન કર્યું ત્યાર બાદ તેને મેસેજ આવ્યો કે તેના ખાતામાંથી ૧,૪૯,૯૯૯ રૂપિયા ઉપડી ગયા છે.
અધિકારીએ વધુમાં કહ્યું કે અભિનેતાએ સોમવારે બેંક મેનેજરનો સંપર્ક કર્યો અને તેમની સલાહના આધારે પોલીસ ફરિયાદ નોંધાવી. તેમણે કહ્યું કે આઈપીસી અને કલમ ૪૨૦ (છેતરપિંડી) સહિત ઈન્ફોર્મેશન ટેકનોલોજીની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે આફતાબ શિવદાસાનીના સિનેમેટિક કરિયરમાં ‘મસ્ત’, ‘હંગામા’ સહિત અનેક બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળ્યા હતા.