બોગસ ટોલનાકા મામલે મારા પુત્રને કોઈ લેવાદેવા નથી: જેરામ પટેલ

મોરબી, ગુજરાતમાં હાલ મોરબી વાંકાનેર હાઇવે પર બનાવેલું બોગસ ટોલનાકું ભારે ચર્ચામાં છે. મોરબી વાંકાનેર હાઇવે ટોલનાકાથી આગળના ભાગે કારખાનામાંથી રસ્તો પસાર કરીને ગેરકાયદેસર ટોલનાકુ બનાવ્યું હતું. આ મામલે સિટી પોલીસે જેરામ પટેલના પુત્ર અમરશી પટેલ સહિત ૫ લોકો સામે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. વ્હાઇટ હાઉસ સિરામીક કંપનીમાંથી આ ગેરકાયદેસર ટોલનાકું બનાવવામાં આવ્યું હતુ. આ સિરામીક કંપની સિદસર ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ જેરામ પટેલના પુત્ર અમરશીની હોવાનું સામે આવ્યું છે. જેથી જેરામ પટેલના પુત્ર અમરશી પટેલ સામે ગુનો નોંધાયો છે. આ કેસમાં આજે જેરામ પટેલે મીડિયા સાથે વાત કરી હતી. જેમા તેમણે જણાવ્યુ કે, ‘આ બંધ ફેક્ટરી અમારા પરિવારની છે અને અમે તેને ભાડા કરાર કરીને ભાડે આપેલી છે.’

જેરામ પટેલે ખુલાસો કરતા જણાવ્યુ કે, ‘લખાણમાં એવું કાંઇ નથી કે, અહીંથી તમારે વાહન પસાર કરવા અને ઉઘરાણું કરવું. આ પ્રકારની કોઇ શંકા પણ ન હતી અને કોઇ જાણ પણ ન હતી. તેમને ભાડેથી જોઇતી હતી એટલે ભાડેથી આપવામાં આવી હતી.’ભાડા કરાર અંગે તેમણે જણાવ્યુ કે, ‘લગભગ ૧૧ મહિનાનો ભાડા કરાર છે. જોકે, અમારે જરૂર હતી એટલે છેલ્લા ૧૦મા મહિનામાં અમે ભાડા કરાર રદ કરવા માટે કહ્યુ પણ હતુ અને નોટિસ પણ આપી હતી.’

પોતાના પુત્ર અંગે તેમણે જણાવ્યુ કે, ‘અમરશીભાઇનો આ કંપનીમાં કોઇ ઇન્વોલમેન્ટ જ નથી. આ કંપીમાં તે ડાયરેક્ટર નથી કે નથી મેનેજિંગ ડિરેક્ટર નથી. અમરશીભાઇ મારી બીજી ફેક્ટરી છે તેમા બેસે છે. આમાં તેનું કોઇ જાતના લેવાદેવા નથી.’ આ સાથે તેમણે આ આખી ઘટનાને વખોડતા જણાવ્યુ કે, આવી પ્રવૃત્તિ ઘણી ખરાબ કહેવાય અને અમે તેને કોઇ સપોર્ટ આપતા જ નથી.