બોગસ જાતિના પ્રમાણપત્રના આધારે નોકરી મેળવનાર પાનમ સિંચાઈ વિભાગના ઈજનેરને નિવૃત્તિ પહેલા ચાર્જશીટ અપાઈ

મહિસાગર, મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના હરીગરના મુવાડાના રહેવાસી અને પાનમ યોજના વર્તુળની વિભાગીય કચેરીમાં એક્ઝિકયુટીવ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા અધિકારીએ બોગસ પ્રમાણપત્રોના આધારે આદિજાતી પ્રમાણપત્ર મેળવી સરકારી નોકરી મેળવી હોવાનો પર્દાફાશ થતાં આદિજાતી વિશ્ર્લેષણ સમિતિ ગાંધીનગર દ્વારા તેમનુ પ્રમાણપત્ર રદ્દ કર્યુ હતુ. જયારે તા.31 માર્ચની તેમની નિવૃત્તિની તારીખ પહેલા નર્મદા જળસંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ બે ચાર્જશીટ અપાઈ છે.

હરીગરના મુવાડાના વતની નાનાભાઈ અમીરભાઈ ખાંટ આદિવાસી નહિ હોવા છતાં સરકારી લાભ મેળવવા આદિવાસી જાતિનુ બનાવટી પ્રમાણપત્ર મેળવી વર્ષો પહેલા નર્મદા અને જળ સંપતિ વિભાગમાં નોકરી મેળવી હતી. તેમના આદિવાસી પ્રમાણપત્રની આદિજાતી વિભાગ દ્વારા તપાસ કરાઈ હતી. ગુજરાત જાહેર સેવા આયોગની સ્પર્ધાત્મક પરીક્ષાના પરીણામોના આધારે તા.29/10/1997ના રોજ કુલ 37 ઉમેદવારોને કાર્યપાલક ઈજનેર(સિવિલ)તરીકે નિમણુંક અપાઈ હતી. જે પૈકી નાનાભાઈ ખાંટ પણ હતા. જે બાદ તેમણે ગુજરાતની અનુસુચિત જનજાતિ માટે આદિવાસી અંગેનુ પ્રમાણપત્ર જિલ્લા પછાત વર્ગ કલ્યાણ અધિકારી વડોદરા પાસેથી મેળવી તા.20/04/1995નુ પ્રમાણપત્ર રજુ કર્યુ હતુ. જે આદિવાસી દાખલાની ખરાઈ વિભાગીય વિશ્ર્લેષણ સમિતિ દ્વારા કરાતા આ જાતિનો દાખલો બનાવટી વિગતો રજુ કરી મેળવાયો હોવાનો વીજીલન્સ સેલની તપાસમાં ખુલાસો થયો હતો. વીજીલન્સની તપાસમાં નાનાભાઈ ખાંટે પ્રાથમિક શાળા દ્વારા ઈશ્યુ કરાયેલ વયપત્રકમાં સફેદ ઈન્કથી સુધારો કર્યો હોવાનો ખુલાસો થયો હતો. તેમજ જાતિ અને પેટા જાતિના કોલમમાં છેડછાડ કર્યાનુ સાબિત થયુ હતુ. જેથી ગાંધીનગર વિશ્ર્લેષણ સમિતિએ તેમનુ આદિવાસી પ્રમાણપત્ર રદ્દ કર્યુ હતુ. વિશ્ર્લેષણ સમિતિના રિપોર્ટના આધારે તપાસ હાથ ધરવા સરકારે નિર્ણય કરતા તા.30/03/2024ના રોજ નાનાભાઈ અમીરભાઈ ખાંટને નિવૃત્તિના દિવસે ચાર્જશીટ અપાઈ હતી. જે અંગે આગામી દિવસોમાં વિશ્ર્લેષણ સમિતિના હુકમ મુજબ તેમની સામે પોલીસ ફરિયાદ પણ નોંધાશે.