બોગસ બિલિંગનો પર્દાફાશ:ભાવનગરમાં ૧૧૦૨ કરોડના જીએસટી કૌભાંડનો પર્દાફાશ,૧૫ આરોપી ઝબ્બે

ભાવનગર,ગરીબ, અભણ, અલ્પ શિક્ષિત લોકોને સરકારી સહાય, લોન અપાવવાની લાલચ આપી અધારકાર્ડમાં મોબાઇલ નંબર બદલાવી અને જીએસટી રજીસ્ટ્રેશન કરાવવાના કૌભાંડમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા નિમવામાં આવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ) દ્વારા ૧૧૦૨ કરોડના બોગસ બિલિંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

સીટના અધ્યક્ષ ગૌતમ પરમાર, સભ્યો શિવમ વર્મા, જીતેન્દ્ર અગ્રવાલ, રાધિકા ભરાઇ, આર.એન.વિરાણી દ્વારા ગુન્હાના કામમાં ઉપયોગમાં લેવામાં આવેલા મોબાઇલ ફોન, લેપટોપ, ડીજીટલ ડેટા પકડવામાં આવ્યો હતો.

કુલ ૪૬૧ બોગસ પેઢીઓ પૈકી ૨૩૬ પેઢીઓમાં ૧૫ આરોપીઓ દ્વારા કુલ ૧૧૦૨,૧૦,૧૧,૧૦૨ રૂપિયાનું કૌભાંડ આચરી કુલ ૧,૨૨,૩૬,૨૮,૭૦૯ રૂપિયાની કરચોરી કરવામાં આવી હતી. આ અંગે સીટ દ્વારા ૧૧૨૨૮ પાનાનું પ્રથમ ચરણનું ચાર્જશીટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યુ હતુ. જીએસટી વિભાગના સંકલનમાં સીટની ટુકડી તપાસ કરી રહી છે, અને જીએસટી વિભાગ દ્વારા ૮૦૦ જેટલા શંકાસ્પદ નંબરોની યાદી સીટને સોંપવામાં આવેલી હોવાનું જાણવા મળ્યુ છે, તે પૈકી હજુ ૪૬૧ નંબરોની ચકાસણી સીટ કરી શકી છે. સીટીની તપાસ ડમીકાંડ, તોડકાંડને કારણે ધીમી પડી હોવાનું ભાસી રહ્યું છે.

અત્યાર સુધીમાં પાલિતાણા જીએસટી કૌભાંડમાં મહંમદએઝાઝ બોઅમર, અમન ચૌહાણ, ખાલીદ ચૌહાણ, રાજુ ચૌહાણ, સલીમ શરમાળી, શાહરૂખ શેખ, નીઝામ ચુડેસરા, અહમદ કાસમાણી, ધ્રુવરાજસિંહ ઝાલા, અકરમ અત્યાન, અબ્દુલરહેમાન અલ્હામેદ, યાસીન મગરબી, મહમદરઝા મેઘાણી, અલીઅબ્બાસ વિરાણી, જાહીદ કાબરીયાની ધરપકડ કરવામાં આવેલી છે.