બોડેલી ગ્રામ પંચાયતના સરપંચના કૂવામાં કેમિકલ યુક્ત પાણી આવતા રજૂઆત કરાઈ

  • વેસ્ટ કેમિકલ ડમ્પીંગ સાઇટનું કેમિકલ ભૂગર્ભમાં ઉતર્યું હોવાનો આક્ષેપ.

બાલાસીનોર, બાલાસિનોર તાલુકાના બોડેલી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા જમિયતપુરાની સીમમાં છેલ્લા કેટલાય વર્ષોથી વેસ્ટ કેમિકલ ડમ્પીંગ સાઈટ કાર્યરત છે જ્યારે આ ડમ્પીંગ સાઈટ માં ડમ્પ કરવામાં આવેલું કેમિકલ હાલ ભૂગર્ભમાં ઉતરીને કુવામાં આવ્યા હોવાનો આક્ષેપ ખુદ બોડેલી ગ્રામ પંચાયતના સરપંચના પ્રતિનિધિ અજીતસિંહ પરમાર દ્વારા કરવામાં આવ્યો છે.

મળતી વિગતો અનુસાર બોડોલી ગ્રામ પંચાયત વિસ્તારની સીમમાં બોડોલી ગ્રામ પંચાયતના સરપંચ મનિષાબેન પરમારના પતિ અજીતસિંહ પરમારના કુવામાં છેલ્લા એક અઠવાડિયાથી કેમિકલ યુક્તવાળું પાણી આવતા તેઓ સહિત અન્ય ગ્રામ પંચાયત વિસ્તારમાં લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. અજીતસિંહ પરમાર દ્વારા બાલાસિનોરના પ્રાંત અધિકારી હિરેનભાઈ ચૌહાણને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે અજીતસિંહ અભેસિંહના કૂવામાં મેસર્સ મોર્યા એન્વારો પ્રોજેક્ટ લિમિટેડની સાઈડમાં વેસ્ટ કેમિકલ જે ડમ્પ કરેલું છે, તે ભૂગર્ભમાં ઉતરેલ છે અને તે કેમિકલ અમારા કુવામાં આવવાથી તાત્કાલિક ધોરણે પાણીના સેમ્પલ લેવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવે તેમ જણાવ્યું હતું.

અગાઉ પણ અનેક વિવાદ સર્જાયા હતા
મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે બોડેલી ગ્રામ પંચાયત વિસ્તારમાં મેસર્સ મોર્યા એનવારો પ્રોજેક્ટ કંપની 2019 માં કાર્યરત થતા આસપાસના વિસ્તારમાં લોકો દ્વારા અનેક વિરોધ દર્શાવ્યો હતો અને લોકો દ્વારા ઉપવાસ પર બેસીને પણ વિરોધ કર્યો હતો. ત્યારે અનેક વિરોધ વિવાદ હોવા છતાં પણ આજ દિન સુધી આ કંપની ચાલી રહી છે.