બોચાસણમાં મકાનના ભાગ બાબતે દીકરાએ માતા-પિતા પર હુમલો કર્યો

આણંદ, બોરસદ તાલુકાના બોચાસણ ગામે શુક્રવારે મકાનના ભાગ બાબતે પુત્રએ લાકડાના દંડા વડે માતા-પિતા ઉપર હુમલો કરી માર માર્યો હોવાના બનાવ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બોચાસણ ગામના રામકુવા વિસ્તારમાં આવેલા ઘોડીવાળા ખેતરમાં રહેતા રાવજીભાઈ ભઈજીભાઈ પરમારનો નાનો પુત્ર વિનુભાઈ શુક્રવારે સાંજે તેમની પાસે આવ્યો હતો અને મોટાભાઈના મકાનમાં ભાગ બાબતે વાત કરી માતા સોનાબેન સાથે ઝઘડો કર્યો હતો.

દરમિયાન ઉશ્કેરાઈ ગયેલા વિનુભાઈએ માતાને લાકડાનો દંડો માથાના ભાગે મારી દીધો હતો. આ તકરારમાં રાવજીભાઈ વચ્ચે પડતા તેમને પણ દંડા વડે માર મારી ઈજાઓ પહોંચાડી હતી. બાદમાં જાનથી મારી નાંખવાની ધમકી આપી ત્યાંથી ચાલ્યો ગયો હતો. ઈજાગ્રસ્ત દંપતિને સારવાર અર્થે કરમસદની હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. આ બનાવ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસે વિનુભાઈ પરમાર વિરુધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.