બોબી દેઓલે કરિયરમાં સફળતાની ક્રેડિટ પત્ની તાન્યાને આપી

મુંબઇ, સની દેઓલને ગદર ૨ ફળી હતી અને હવે નાના ભાઈ બોબી દેઓલને ’એનિમલ’ની સફળતાએ ચર્ચામાં લાવી દીધા છે. ’એનિમલ’માં એક્ટિંગ બદલ બોબીના વખાણ થઈ રહ્યાં છે ત્યારે બોબીએ પોતાના કમબેકની ક્રેડિટ પત્ની તાન્યાને આપી છે. પત્ની અને દીકરાઓ સાથેના સંબંધોની વાત કરતાં બોબીએ જણાવ્યું હતું કે, પિતા ધર્મેન્દ્ર કરતાં તે સાવ અલગ અને બ્રોડ માઈન્ડેડ છે.

એક ઈન્ટરવ્યૂ દરમિયાન બોબી દેઓલે પિતા અને સંતાનો સાથે પોતાના સંબંધોની વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, હું નાનો હતો ત્યારે સ્થિતિ સાવ અલગ હતી. માતા-પિતા પ્રત્યે સન્માન રાખવુ પડતું હતું અને તેમની મર્યાદા રાખવી પડતી હતી. માતા સાથે ક્યારેક દલીલો થઈ શક્તી, પરંતુ પિતા સાથે વાત કરવામાં પણ સંકોચ રહેતો હતો.

હાલની જનરેશનમાં સ્થિતિ અલગ છે. બોબીએ જણાવ્યું હતું કે, માતા-પિતા માટે આદર હોય છે, પરંતુ તેની સાથે સંબંધોમાં મોકળાશ પણ જરૂરી છે અને બંને દીકરાને તે જ રીતે ઉછેર્યા છે. પિતા સાથે વાત કરવામાં પોતાને જેવો સંકોચ થતો હતો, તેવી સ્થિતિ દીકરા આર્યમાનની નથી. મારા અને પિતા ધર્મેન્દ્રના સંબંધો જેવો ખચકાટ બંને દીકરાઓ સાથે મારા સંબંધોમાં ન રહે તેની મેં કાળજી રાખી હતી. મેં ક્યારેય પત્નીને કામ કરતાં કે પોતાની ઓળખ ઊભી કરતાં રોકી નથી. તેને ક્યારેય ઓછું આવવા દીધું નથી. આજે હું જે કંઈ છું, તે મારી પત્નીના કારણે છું.