બ્લડ કેન્સર સામે ઝઝૂમી રહેલા ભારતીય ક્રિકેટના ‘ધ ગ્રેટ વોલ’ અંશુમાન ગાયકવાડે અંતિમ શ્વાસ લીધા

વડોદરાનાં પૂર્વ ભારતીય ક્રિકેટર અને ઈન્ડિયન ટીમનાં કોચ અંશુમાન ગાયકવાડે બુધવાર રાત્રે અંતિમ શ્ર્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી બ્લડ કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા.તેમની લંડનમાં સારવાર ચાલી રહી હતી. અંશુમન ગાયકવાડની ગંભીર હાલત જોઈને પૂર્વ ક્રિકેટર કપિલ દેવે મદદ કરવાની પહેલ કરી હતી. કપિલ દેવે અંશુમાનની મદદ માટે પોતાનું પેન્શન દાન કરવાનો નિર્ણય લીધો હતો. બીસીસીઆઈએ અંશુમનની સારવાર માટે ૧ કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી.

અંશુમાન એક સમયે ભારતીય ક્રિકેટના ધ ગ્રેટ વોલ તરીકે ઓળખાતા હતા. થોડા દિવસો અગાઉ કપિલ દેવે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘જો પરિવાર અમને મંજૂરી આપે તો અમે અમારી પેન્શનની રકમ ફંડમાં આપવા તૈયાર છીએ.’ તેમણે વધુમાં કહ્યું હતું કે ‘આ એક દુ:ખદ સમાચાર છે. મને દુ:ખ થાય છે, કારણ કે હું અંશુની સાથે રમ્યો છું અને તેને આ સ્થિતિમાં જોઈ શક્તો નથી. આવું તો કોઈએ ભોગવવું ન જોઈએ. હું જાણું છું કે બોર્ડ તેની કાળજી લેશે.’

તેમણે એ પણ કહ્યું હતું કે ‘અમે કોઈને દબાણ કરતા નથી. અંશુ માટે કોઈપણ મદદ કરી શકો છો. અંશુ એ વખતના ફાસ્ટ બોલર્સ સામે ઊભો રહીને રમ્યો છે. હવે સમય છે કે આપણે તેના આ કપરા સમયમાં સાથે ઊભા રહીએ. મને ખાતરી છે કે ક્રિકેટના ચાહકો મને નિરાશ નહીં કરે. તેમણે અંશુમાનની ઝડપી રિકવરી માટે પ્રાર્થના કરવી જોઈએ.’ મોહિન્દર અમરનાથ, સંદીપ પાટીલ, મદન લાલ અને કીત આઝાદ પણ તેમના સાથી ખેલાડીઓની મદદ માટે આગળ આવ્યા હતા.

અંશુમાને ૨૭ ડિસેમ્બર ૧૯૭૪ના રોજ કોલકાતામાં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કર્યુ હતું. ટેસ્ટ મેચમાં તેમનો છેલ્લો દેખાવ કોલકાતા ટેસ્ટમાં હતો જે ૧૯૮૪ના છેલ્લા દિવસે ઇંગ્લેન્ડ સામે થયો હતો. ગાયકવાડે ૧૯૭૫-૧૯૮૪ સુધી ૪૦ ટેસ્ટ મેચની કારકિર્દીમાં ૩૦.૦૭ની સરેરાશથી ૧૯૮૫ રન બનાવ્યા, જેમાં ૨ સદી અને ૧૦ અડધી સદી સામેલ છે. તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર ૨૦૧ રન હતો, જે તેમણે પાકિસ્તાન સામે બનાવ્યો હતો. ગાયકવાડે ભારત માટે ૧૫ ંર્ડ્ઢૈં મેચમાં પણ ભાગ લીધો હતો, જેમાં તેમના નામે ૨૦.૬૯ની એવરેજથી ૨૬૯ રન છે. ૭૧ વર્ષીય અંશુમાને ૨૦૬ ફર્સ્ટ ક્લાસ મેચમાં ૪૧.૫૬ની એવરેજથી ૧૨,૧૩૬ રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમના બેટમાંથી ૩૪ સદી અને ૪૭ અડધી સદી આવી છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર ૨૨૫ રન હતો. આ સિવાય ગાયકવાડે ૫૫ લિસ્ટ-એ મેચ પણ રમી હતી, જેમાં તેમણે ૩૨.૬૭ની એવરેજથી કુલ ૧૬૦૧ રન બનાવ્યા હતા.

ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી અંશુમાને કોચિંગને તેમની કારકિર્દી તરીકે લીધી. તેઓ ૧૯૯૭-૯૯ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ હતા. ગાયકવાડે ગુજરાત સ્ટેટ ફટલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ માટે પણ કામ કર્યું હતું અને ૨૦૦૦માં આ કંપનીમાંથી નિવૃત્ત થયા હતા. જૂન ૨૦૧૮માં, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ ગાયકવાડને લાઈફટાઈમ અચીવમેન્ટ અવોર્ડથી સન્માનિત કર્યા હતા. અંશુમાન ગાયકવાડના પિતા દત્તા ગાયકવાડે પણ ટેસ્ટ ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

દિગ્ગજ ક્રિકેટરના નિધન પર પીએમ મોદીએ ટ્વિટ કરી દુ:ખ વ્યક્ત કર્યું છે. તેઓએ એક્સ પર પોસ્ટ કરતા અંશુમન ગાયકવાડને એક ગિટેડ પ્લેયર અને શાનદાર કોચ ગણાવ્યાં હતા અને કહ્યું કે, તેનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે.આ ઉપરાંત બીસીસીઆઇના પ્રમુખ જયશાહ,પૂર્વ ક્રિકેટરો અને વર્તમાન ક્રિકેટરોએ પણ ગાયકવાડના નિધન પર શોક વ્યકત કર્યો છે.