શહીદ ભગત સિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ, ચંડીગઢ પર બીજેપી સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતને થપ્પડ મારનાર સીઆઇએસએફ મહિલા સૈનિકની બદલી કરવામાં આવી છે. મહિલા કર્મચારી કુલવિંદર કૌરને ચંદીગઢ એરપોર્ટથી બેંગ્લોર ટ્રાન્સફર કરવામાં આવી છે. જો કે હજુ સુધી મહિલા સૈનિકને પુન:સ્થાપિત કરવામાં આવી નથી. કુલવિંદર કૌરને હાલમાં ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવી છે અને તેની સામે વિભાગીય તપાસ ચાલી રહી છે.
૭ જૂનના રોજ, મંડી, હિમાચલના બીજેપી સાંસદ અને બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને શહીદ ભગત સિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ, ચંડીગઢ પર સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સની મહિલા સૈનિક કુલવિંદરે થપ્પડ મારી હતી. કંગના રનૌતને થપ્પડ મારવાની ઘટના બાદ સીઆઇએસએફ મહિલા સૈનિક કુલવિંદરને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.
સૂત્રોનું માનીએ તો, થપ્પડ મારવાની આ ઘટનાની તપાસ કરવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી. એસઆઈટીએ આ કેસની તપાસ પૂર્ણ કરી છે અને અધિકારીઓને રિપોર્ટ સોંપ્યો છે.
ઘટના ૭ જૂન ૨૦૨૪ની છે. હિમાચલની મંડીની સાંસદ કંગના રનૌત દિલ્હી જવા માટે ચંદીગઢ એરપોર્ટ પહોંચી હતી. ચંદીગઢ એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન ફરજ પરની મહિલા સુરક્ષા કર્મચારી કુલવિંદર કૌરે કંગનાને થપ્પડ મારી હતી. ખેડૂતોના આંદોલનને લઈને કંગના રનૌતના નિવેદનથી કુલવિંદર કૌર નારાજ છે. જેના કારણે તેણે એરપોર્ટ પર કંગનાને થપ્પડ મારી હતી