વડોદરાની સયાજી હોસ્પિટલના પટાંગણમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા મામલે ઝડપાયેલા બાબર પઠાણને લઈ પોલીસે આજે હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. સયાજી હોસ્પિટલમાં બાબર પઠાણ દ્વારા હત્યાને કઈ રીતે અંજામ આપવામાં આવ્યો તેની માહિતી બાબર પાસેથી મેળવવામાં આવી હતી. બાબર પઠાણને હોસ્પિટલમાં લાવવામાં આવતા હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીઓના સંબંધીઓનાં ટોળા એકઠાં થયાં હતાં. બાબરે હત્યા નિપજાવી કેન્ટીન પાસે ફેંકી દેવાયેલું ચાકુ પણ પોલીસે કબજે કર્યું હતું.
આજે વહેલી સવારે ACP એ.વી. કાટકડ રાવપુરા પોલીસ મથકના પીઆઈ બી્.આર. ગૌડ તેમજ પોલીસ મથકના સ્ટાફ સાથે આરોપી બાબર પઠાણને લઇ તપન પરમારને જે સ્થળે ચાકુના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો તે સયાજી હોસ્પિટલ સ્થિત કેન્ટીન પાસે લઇ ગઇ હતી, અને તપન પરમારની કેવી રીતે હત્યા કરી તે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. તપન પરમાર તેના મિત્ર સાથે ચા પીને કેન્ટીનની બહાર નીકળી રહ્યો હતો. તે સમયે બાબર અને તેના સાગરીતોએ તેને રોક્યો હતો. સમાધાનની વાતો ચાલતી હતી તે સમયે એકાએક બાબરે પોતાના ખિસ્સામાંથી ચાકુ કાઢી તપન પરમારના પેટ, છાતીમાં હુલાવી દીધું હતું અને લોહીવાળું ચાકુ કેન્ટીનના પાછળના ભાગે ફેંકી સાગરીતો સાથે ફરાર થઇ ગયો હતો.
સુરક્ષાના ભાગરૂપે પોલીસ દ્વારા પંચોને સાથે રાખી તપન પરમારની હત્યાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. 25 મિનિટ સુધી ચાલેલા રિકન્સ્ટ્રક્શન સમયે સયાજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓના કેન્ટીનમાં ચા પીવા માટે આવેલાં સગાઓ એકઠાં થઇ ગયાં હતાં.
શહેરના નાગરવાડા મહેતાવાડીમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશભાઇ પરમાર (રાજા) ના પુત્ર તપન પરમારને સયાજી હોસ્પિટલમાં પોલીસની હાજરીમાં ચાકુના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ આરોપી બાબર પઠાણ સહિત 5 આરોપીઓની ધરપકડ કરીને પોલીસે 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જેઓના આવતીકાલે રિમાન્ડ પૂર્ણ થશે. ત્યાર બાદ વધુ ત્રણ આરોપીઓ સલમાન ઉર્ફે સોનુ હબીબખાન પઠાણ, મહેબૂબ હબીબખાન પઠાણ, વસીમ મન્સૂરીની ધરપકડ કરી હતી. જે ત્રણેયને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમના 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. જેઓના આજે બપોરે રિમાન્ડ પૂર્ણ થશે.
રવિવારે રાત્રે 9-30 વાગ્યાના સુમારે ધર્મેશ પટેલ તેના મિત્રો દિવ્યાંગ ઉર્ફ બિટ્ટુ પરમાર, ધવલ મકવાણા અને મિતેષ રાજપૂત સાથે મહેતાવાડીના નાકા ઉપર ઊભા હતા. તે સમયે વિક્રમ ઉર્ફ વિકી પરમાર લોહીથી લથપથ હાલતમાં આવ્યો હતો. તેણે તેના મિત્રોને બાબરે પેટમાં અને છાતીમાં ચાકુના ઘા માર્યા હોવાનું જણાવ્યું હતું. લોહીથી લથપથ વિક્રમને તેનો ભાઇ હોસ્પિટલમાં લઇ જવા માટે તૈયારી કરતો હતો. ત્યાં જ બાબર તેના અન્ય સાગરીતો સાથે વિક્રમ ઉપર વધુ હુમલો કરવા માટે આવી પહોંચ્યો હતો. જેમાં વચ્ચે પડેલા ધર્મેશ પટેલને પણ હાથમાં ઇજા પહોંચી હતી. બીજી બાજુ દિવ્યાંગ ઉર્ફ બિટ્ટુ વિક્રમને બાબર અને તેના સાગરીતોથી બચાવી સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ આવ્યો હતો
વડોદરામાં ભાજપાના પૂર્વ કોર્પોરેટરના પુત્રને મોતને ઘાટ ઉતારનાર બાબર પઠાણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. મળેલી માહિતી પ્રમાણે બાબર પઠાણ નાગરવાડા વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ કરતો હતો. તે યુવાનોને ભેગા કરીને જુગાર પણ રમાડતો હતો. આ ઉપરાંત તે લારીઓ તેમજ દુકાનદારો પાસેથી હપ્તા વસૂલ કરતો હતો. જો કોઈ તેને હપ્તો આપવાનો ઇન્કાર કરે તો તેની સાથે મારામારી કરતો હતો અને જીવલેણ હુમલા પણ કરતો હોવાની વિગતો સામે આવી છે.