રેકોર્ડબ્રેક જીત સાથે ગુજરાતમાં ભાજપે સતત સાતમી વખત કમળ ખીલવ્યું

  • ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર 
  • રેકોર્ડબ્રેક જીત સાથે ગુજરાતભરમાં લહેરાયો કેસરિયો
  • મોટાભાગના જિલ્લાઓમાંથી AAP અને કોંગ્રેસના સૂપડાં સાફ
  • ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત 
  • ગુજરાતના ઈતિહાસમાં આવી જીત ક્યારેય નથી થઈ
  • ભૂપેન્દ્ર પટેલે તોડ્યો નરેન્દ્ર મોદીનો રેકોર્ડ 
  • ભાજપે માધવસિંહ સોલંકીનો રેકોર્ડ પણ તોડ્યો 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. ગુજરાતમાં ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ જોવા મળ્યો છે. ભાજપને રાજ્યમાં અત્યાર સુધીની સૌથી મોટી જીત મળી છે. 15મી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પોતાનો 20 વર્ષનો અને કોંગ્રેસનો 37 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. રાજ્યમાં ભાજપનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 127 બેઠકો હતું, જે તેને 2002ની ચૂંટણીમાં મળી હતી. ભાજપે માત્ર આ આંકડો જ પાર નથી પરંતુ કોંગ્રેસના દિગ્ગજ નેતા માધવસિંહ સોલંકીનો 1985માં 149 બેઠકોનો રેકોર્ડ પણ તોડી નાખ્યો.

ગુજરાતના પરિણામ બાદ આજે ભૂપેન્દ્ર પટેલે અગાઉના નરેન્દ્ર મોદીના રેકૉર્ડ તોડી એક નવો રેકોર્ડ સર્જ્યો છે. મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ 2002માં 127 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જીતી હતી જે બાદ જેટલી ચૂંટણી થઈ તેમાં ભાજપની સીટો સતત ઘટી રહી હતી. આમ 127નો આંકડો પીએમ મોદીનો રેકૉર્ડ હતો અને હવેના ભાજપે આ આંકડો પણ પાર કરી લીધો છે. અગાઉ અનેક જાહેરસભામા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, મારી ઈચ્છા એવી છે કે, આ વખતની ચૂંટણીમાં તમામ રેકોર્ડ તૂટે અને સાથે સાથે નરેન્દ્રભાઈના રેકોર્ડ ભૂપેન્દ્ર ભાઈ તોડે. જોકે આ વાતને સાબિત કરતાં પરિણામો આજે આવ્યા છે.