BJPના ઉમેદવારોની બીજી યાદીનું કાઉન્ટડાઉન શરૂ

  • ભારતીય જનતા પાર્ટી જાહેર કરશે બીજી યાદી
  • ઉમેદવારોની પ્રથમ યાદીમાં 160 નામોનું કર્યું છે એલાન 
  • બાકી રહેલા ઉમેદવારોને લઈને ટૂંક સમયમાં થઈ શકે છે એલાન 

ગુજરાતમાં ચૂંટણી બરાબરની જામી છે, તમામ પાર્ટીઓ દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવી રહ્યા છે અને મોટા ભાગના ઉમેદવારોને પ્રચાર શરૂ કરી દીધા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના 22 જેટલા ઉમેદવારોને લઈને કોંકડું ગુંચવાયું હોય તેવું દેખાઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રથમ અને બીજા તબક્કાના કુલ 160 ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા હતા પરંતુ પ્રથમ તબક્કાની જ 6 બેઠકો એવી છે જેના પર કોઈ નામ જાહેર કરવામાં આવ્યા નથી, એવામાં ફૉર્મ ભરવાની અંતિમ તારીખ નજીક આવી રહી છે ત્યારે નેતાઓના મનમાં સળવળાટ ઊભો થયો છે. 

કુતિયાણા પર સૌ કોઇની નજર 
ગુજરાતમાં ચૂંટણીમાં સમયની સાથે સાથે અલગ અલગ સમીકરણો સર્જાતાં દેખાઈ રહ્યા છે, કોંગ્રેસ પાર્ટી અને એનસીપીના ગઠબંધનને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી અને આ વખતે NCP એ પોતાની કુતિયાણા બેઠક છોડી દીધી છે કોંગ્રેસ માટે, આ બેઠક પર કાંધલ જાડેજા વર્તમાન ધારાસભ્ય છે ત્યારે કાંધલ જાડેજા હવે અપક્ષ ઉમેદવારી કરી શકે તેવી પ્રબળ શક્યતા છે, એવામાં ભાજપે આ બેઠક પર કેમ હજુ સુધી ઉમેદવાર જાહેર કર્યો નથી તેને લઈને અનેક વાતો વહેતી થઈ છે. નોંધનીય છે કે રાજ્યસભા ચૂંટણીમાં કાંધલ જાડેજાએ ભાજપ તરફ મતદાન કર્યું હતું.
 

આ સિવાય અલ્પેશ ઠાકોરની ટિકિટને લઈને પણ સસ્પેન્સ જોવા મળી રહ્યું છે, ગાંધીનગર દક્ષિણ બેઠક પર ગઇકાલે અલ્પેશ ઠાકોરનું નામ ખૂબ ચર્ચામાં હતું પરંતુ તેમનું નામ જાહેર થયું નથી, અમિત શાહ ગાંધીનગરની ચારેય બેઠકો પર ખાસ નજર રાખી રહ્યા છે અને તેને જોતાં કોનું નામ સામે આવશે તેને લઈને અસંમંજસતા જોવા મળી રહી છે.