બીજેપી નહીં પરંતુ એનડીએ સરકાર છે, તેથી જ પીએમ મોદી સેક્યુલર સિવિલ કોડની વાત કરી રહ્યા છે,સુલે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૭૮મા સ્વતંત્રતા દિવસના અવસર પર દિલ્હીના લાલ કિલ્લા પર રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો. આ વખતે તેમણે રાષ્ટ્રને સંબોધન કર્યું. તેમણે પોતાના સંબોધનમાં ઘણા મોટા મુદ્દાઓ કર્યા છે. આ દરમિયાન તેમણે યુનિફોર્મ સિવિલ કોડ પર કહ્યું કે દેશમાં સેક્યુલર સિવિલ કોડ હોવો જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન બાદ વિપક્ષ પ્રહારો કરી રહ્યું છે. વિપક્ષનું કહેવું છે કે આ વિભાજનકારી ભાષણ છે.

બિનસાંપ્રદાયિક નાગરિક સંહિતા પર કોંગ્રેસના નેતા વિવેક ટંખાએ કહ્યું, ‘આ એક વિભાજનકારી ભાષણ છે.’ ભ્રષ્ટાચારના મુદ્દે સલમાન ખુર્શીદે કહ્યું કે, ‘અત્યાર સુધી તેમણે વિપક્ષો સામે પગલાં લીધાં છે, તેઓ તેમની પાર્ટીના નેતાઓ સામે ક્યારે પગલાં લેશે?’ તેમણે કહ્યું કે, ‘બંધારણ સર્વોચ્ચ છે. બંધારણ જે પરવાનગી આપશે તે થશે. આ સિવાય સુપ્રિયા સુલેએ કહ્યું કે, ‘તે બીજેપી નહીં પરંતુ એનડીએ સરકાર છે, તેથી જ પીએમ મોદી સેક્યુલર સિવિલ કોડની વાત કરી રહ્યા છે.

પીએમ મોદીએ યુસીસી અંગે પોતાના સંબોધનમાં કહ્યું, ‘આપણા દેશની સર્વોચ્ચ અદાલતે યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) પર સતત વિચાર-વિમર્શ કર્યો છે અને સૂચનાઓ જારી કરી છે. આ એટલા માટે છે કારણ કે આપણી વસ્તીનો નોંધપાત્ર વર્ગ માને છે કે આપણો વર્તમાન નાગરિક સંહિતા સ્વાભાવિક રીતે સાંપ્રદાયિક અને ભેદભાવપૂર્ણ છે. હું દૃઢપણે માનું છું કે આ બાબતે વ્યાપક ચર્ચા જરૂરી છે, જ્યાં વિવિધ દૃષ્ટિકોણ વહેંચી શકાય. ધાર્મિક વિભાજનને કાયમી રાખતા કાયદાઓને આધુનિક સમાજમાં કોઈ સ્થાન નથી.