બીજેપીના કદાવર નેતા અને પૂર્વ ધારાસભ્યનું સંદિગ્ધ હાલતમાં મોત, શરીરમાંથી મળ્યા ગોળીના નિશાન

ભોપાલ,
મયપ્રદેશ ભાજપના પૂર્વ ધારાસભ્ય અને વરિષ્ઠ નેતા ભગવતસિંહ પટેલનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું છે. ૮૦ વર્ષના ભગવતસિંહ પટેલ કિરાર સમાજના વરિષ્ઠ નેતા હતા. તેમનું મોત ઘરે જ થયું હતું. અંતિમ સંસ્કારની તૈયારીમાં લાગેલા પરિવારના સભ્યોએ ભગવતસિંહના માથા અને ગળાના ભાગે ઈજાના નિશાન જોયા બાદ હત્યાની આશંકા થતા પોલીસને જાણ કરી હતી.

ભગવતસિંહ પટેલ મયપ્રદેશ રાયસેન જિલ્લાના બરેલીથી ભાજપના ધારાસભ્ય હતા. તેમના મૃત્યુ બાદ જ્યારે અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા હતા ત્યારે શરીર પર ગોળીઓના નિશાન જોવા મળતા તરત જ પોલીસને જાણ કરવામાં આવી અને ત્યારબાદ પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. આ મામલે પોલીસે જણાવ્યું કે પૂર્વ ધારાસભ્ય પટેલ ગઈ કાલે મોડી રાત્રે બરેલીમાં તેમના નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યા હતા. પરિવારના સભ્યોએ અંતિમ સંસ્કારની તૈયારીઓ કરી હતી પરંતુ ત્યારબાદ તેની બહેને પૂર્વ ધારાસભ્યના ગળા પર ગોળીનું નિશાન જોયું હતું. આ પછી પોલીસને બોલાવવામાં આવી હતી. બરેલી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે જણાવ્યું કે ગળામાં ગોળીના નિશાન મળી આવ્યા છે. આ સાથે પોલીસે મૃતદેહને પીએમ માટે બરેલી સિવિલ હોસ્પિટલ મોકલ્યો હતો.

પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ બહાર આવ્યું હતું. ડો. હેમંત યાદવે જણાવ્યું કે પૂર્વ ધારાસભ્ય પડી ગયા હતા જેના કારણે તેમને માથામાં ઈજા થઈ હતી. આ ઈજાના કારણે તેમનું મૃત્યુ થયું હતું. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ પણ પરિવારજનોને તેની હત્યાનો ડર સતાવી રહ્યો હતો. ભગવત સિંહના ખિસ્સામાંથી માત્ર ૧૦૦ રૂપિયાની નોટ મળી આવી હતી. તેમજ તેની લાઇસન્સવાળી બંદૂક પણ ગુમ હતી.