
કોલકતા,
પશ્ર્ચિમ બંગાળના બજેટ સત્રના પહેલા દિવસે તૃણમૂલ કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીને ઉત્તર બંગાળ માટે અલગ રાજ્ય બનાવવાની માંગ પર પોતાનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું છે.ટીએમસીએ બંગાળના વિભાજન વિરુદ્ધ વિધાનસભામાં પ્રસ્તાવ લાવવાની જાહેરાત કરી છે.
ઉત્તર બંગાળના વિકાસ મંત્રી ઉદયન ગુહાએ ભાજપને રાજ્યના વિભાજન અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવા ૪૮ કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે ભાજપ પર બંગાળના લોકો સાથે ડબલ ગેમ રમી રહી હોવાનો આરોપ લગાવ્યો છે.ટીએમસીનો આરોપ છે કે, આ માંગ પાછળ ભાજપના નેતાઓનો હાથ છે.
સિલિગુડીમાં મીડિયા સાથે વાત કરતા ગુહાએ કહ્યું કે, ભાજપ બંગાળના લોકો સાથે ’ડબલ ગેમ’ રમી રહી છે. દક્ષિણ બંગાળમાં તેઓ કહે છે કે તેઓ ઉત્તર બંગાળને અલગ રાજ્ય નથી ઈચ્છતા જ્યારે ઉત્તર બંગાળમાં તેમના સાંસદો અને ધારાસભ્યો અલગ રાજ્યની માંગ કરી રહ્યા છે. ભાજપે ૪૮ કલાકમાં પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવું પડશે.
ટીએમસી મંત્રીએ ભાજપ પર બંગાળમાં ગડબડ ઉભી કરવાનો પણ આરોપ લગાવ્યો છે કારણ કે, ચૂંટણી નજીક છે. તેમણે આગળ કહ્યું કે, બંગાળને તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અમે આ બજેટ સત્રમાં તેની સામે પ્રસ્તાવ લાવીશું. બીજી તરફ પશ્ર્ચિમ બંગાળના મંત્રી સોવનદેવ ચટ્ટોપાયાયે કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે વિપક્ષ સહિત દરેક ધારાસભ્ય આ પ્રસ્તાવને સમર્થન આપે.
તેમણે વધુમાં સવાલ કર્યો કે રાજ્યોના વિભાજનને લઈને ભાજપની ત્રિપુરા માટે એક અને બંગાળ માટે બીજી નીતિ છે. આવું કેમ છે? તેને સસ્તી રાજનીતિ ગણાવતા ટીએમસી નેતાએ કહ્યું કે ટૂંક સમયમાં જ ભાજપનો પાખંડ સામે આવશે.