ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને થઈ રહેલી નિવેદનબાજી વચ્ચે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં સતત ખટાશ આવી રહી છે. ભારતે કેનેડાથી તેમના રાજદ્વારીઓને બોલાવ્યા છે અને કેનેડિયન રાજદ્વારીઓને પરત જવા કહ્યું છે. બીજી તરફ કેનેડિયન પોલીસ દ્વારા ભારતને લઈને વધુ એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. સોમવારે, કેનેડિયન પોલીસે કેનેડામાં ખાલિસ્તાનીઓ પર હુમલાને લઈને ફરી એકવાર ભારતનું નામ લીધું અને કહ્યું કે ભારત સરકારના એજન્ટ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે મળીને કામ કરે છે.
એક નિવેદનમાં કેનેડાના ફેડરલ પોલીસિંગના રાષ્ટ્રીય સુરક્ષાના આસિસ્ટન્ટ કમિશનર બ્રિજિટ ગૌવિને કહ્યું તે, “ભારત દક્ષિણ એશિયાઈ સમુદાયને નિશાન બનાવી રહ્યું છે. ખાસ કરીને કેનેડામાં ખાલિસ્તાન તરફી તત્ત્વોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. RCMPના પરિપ્રેક્ષ્યમાં, તેઓ સંગઠિત અપરાધી તત્ત્વોનો ઉપયોગ કરે છે, જેમાં ખાસ કરીને એક સંગઠિત ગુનાહિત ગ્રુપ બિશ્નોઈ સમૂહ દ્વારા સાર્વજનિક રીતે જવાબદાર ઠરાવવામાં આવ્યું…અમારું માનવું છે કે આ સમૂહ ભારત સરકારના એજન્ટો સાથે જોડાયેલું છે.
કેનેડામાં RSS પર પ્રતિબંધ મૂકવાની માગ ઊઠી, NDP નેતા જગમીત સિંહે નિવેદન જાહેર કર્યું
ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP)ના નેતા જગમીત સિંહે કેનેડામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) નેટવર્ક પર પ્રતિબંધ મૂકવાની માગ કરી છે. સિંહે ભારતીય રાજદ્વારીઓની હકાલપટ્ટી અને અપરાધિક તપાસના સંદર્ભમાં આ નિવેદન જાહેર કર્યું છે. જગમીત સિંહે કહ્યું, “નવા ડેમોક્રેટ્સ RCMP કમિશનર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અંગે ચિંતિત છે.
સિંહે આરોપ લગાવ્યો છે કે કેનેડિયનો ખાસ કરીને કેનેડાના શીખ સમુદાયને ભારતીય સત્તાવાળાઓના હાથે ડર, ધાકધમકી, ઉત્પીડન અને હિંસાનો ભોગ બનાવવામાં આવી રહ્યા છે.
કેનેડાના PM ટ્રુડોએ પણ ભારત પર ગંભીર આરોપો લગાવ્યા
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત સરકારના એજન્ટો પર સિક્રેટ માહિતી એકઠી કરવાનો, ટાર્ગેટ કિલિંગ કરવાનો, કેનેડિયન નાગરિકોને ધમકાવવાનો અને હિંસામાં સામેલ કરવાનો આરોપ મૂક્યો છે. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP)ના પુરાવાઓને ટાંકીને, ટ્રુડોએ દાવો કર્યો હતો કે કેનેડામાંથી હાંકી કાઢવામાં આવેલા છ ભારતીય સરકારી એજન્ટો જાહેર સુરક્ષાને જોખમમાં મૂકતી પ્રવૃત્તિઓમાં સામેલ હતા.
ટ્રુડોએ એમ પણ કહ્યું કે કેનેડાએ આ બાબતો પર ભારત સરકાર સાથે કામ કરવાના ઘણા પ્રયાસો કર્યા, પરંતુ ભારતે દરેક વખતે મદદ કરવાનો ઇનકાર કર્યો. વાસ્તવમાં ટ્રુડો સરકાર દ્વારા મોકલવામાં આવેલા લેટર બાદ આ સમગ્ર મામલો ગરમાયો હતો.
લેટરમાં ભારતીય હાઈ કમિશનર અને અન્ય કેટલાક રાજદ્વારીઓને કેનેડિયન નાગરિકની હત્યામાં શંકાસ્પદ તરીકે નામ આપવામાં આવ્યાં હતાં. આ પછી કેનેડાએ ભારતના 6 રાજદ્વારીઓને દેશ છોડવા કહ્યું. તેના જવાબમાં ભારતે કેનેડાના કાર્યવાહક હાઈ કમિશનર સ્ટુઅર્ટ રોસ વ્હીલર સહિત 6 કેનેડિયન રાજદ્વારીઓને દેશ છોડવા કહ્યું છે. જોકે કેનેડિયન નાગરિક વિશે માહિતી આપવામાં આવી નથી, પરંતુ તેને ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા સાથે જોડવામાં આવી રહી છે.
ટ્રુડોએ બ્રિટનના પીએમ સ્ટારમર સાથે વાત કરી હતી
ટ્રુડોએ આ મુદ્દે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર સાથે પણ વાત કરી છે. સોશિયલ મીડિયા પર આ માહિતી આપતાં તેમણે કહ્યું કે બંને નેતાઓએ તેમના નાગરિકોની સુરક્ષા અને કાયદાનું શાસન જાળવવાના મુદ્દા પર ચર્ચા કરી.
કેનેડિયન પોલીસે જણાવ્યું હતું કે ભારતીય એજન્ટોએ ઘણી માહિતી એકઠી કરી હતી
કેનેડાના પોલીસ કમિશનર માઈક ડુહેમે પણ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે કેનેડામાં ભારતીય રાજદ્વારીઓ અને અધિકારીઓએ તેમના પદનો દુરુપયોગ કર્યો છે અને ગુપ્ત રીતે ભારત સરકાર માટે માહિતી એકઠી કરી છે. આ માટે ભારતીય અધિકારીઓએ એજન્ટોનો ઉપયોગ કર્યો હતો. આમાંના કેટલાક એજન્ટોને ભારત સરકાર સાથે કામ કરવા માટે ધમકીઓ અને દબાણ કરવામાં આવ્યું હતું.
તેમણે કહ્યું કે ભારત દ્વારા એકત્રિત કરવામાં આવેલી માહિતીનો ઉપયોગ દક્ષિણ એશિયાના લોકોને નિશાન બનાવવા માટે કરવામાં આવે છે. અમે ભારત સરકારના અધિકારીઓને આના પુરાવા આપ્યા હતા અને તેમને હિંસા રોકવા અને સહયોગ કરવાની અપીલ કરી હતી.