બિરયાની સાથે માગ્યું ‘એકસ્ટ્રા રાયતુ’ તો હોટલના કર્મચારીઓએ માર મારીને વ્યક્તિની હત્યા કરી દીધી

તેલંગાણાની રાજધાની હૈદરાબાદથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંની ફેસેમ રેસ્ટોરન્ટમાં સ્ટાફ દ્વારા એક ગ્રાહકને માર મારવામાં આવ્યો હતો. ગ્રાહકનો દોષ માત્ર એટલો જ હતો કે તેણે બિરયાની સાથે એક્સ્ટ્રા રાયતાની માંગણી કરી હતી. મૃતકની ઓળખ લિયાકત તરીકે થઈ છે. તે પરિણીત હતો અને તેના સંતાનો પણ હતા.

તેલંગાણાના હૈદરાબાદમાં એક રેસ્ટોરન્ટમાં બિરયાની સાથે એક્સ્ટ્રા રાયતું માંગવા પર ગ્રાહકને માર મારવામાં આવ્યો. વાસ્તવમાં, લિયાકત નામનો વ્યક્તિ તેના મિત્રો સાથે પંજાગુટ્ટા વિસ્તારમાં મેરીડિયન રેસ્ટોરન્ટમાં બિરયાની ખાવા ગયો હતો. આ દરમિયાન લિયાકતે રેસ્ટોરન્ટ સ્ટાફ પાસેથી બિરયાની સાથે ખાવા માટે એકસ્ટ્રા રાયતુ માંગ્યુ, જેના કારણે વિવાદ શરૂ થયો. આ પછી લિયાકત, તેના મિત્રો અને રેસ્ટોરન્ટના કર્મચારીઓ વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ.જે બાદ યુવકને રેસ્ટોરેન્ટના કર્મચારીઓએ માર મારી અધમુઓ કરી નાખ્યો હતો અને માર ખાધા બાદ યુવકને છાતીમાં દુખાવો થતા મોત થઈ ગયુ છે.

ઝઘડા બાદ બંને પક્ષોને પંજાગુટ્ટા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા જ્યાં નિવેદન નોંધતી વખતે લિયાકતને છાતીમાં દુખાવાની ફરિયાદ થઈ હતી અને તે ત્યાં પડી ગયો હતો. તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. પોલીસે પીડિતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

આ ઘટના અંગે પોલીસે જણાવ્યું કે માર્યા ગયેલા વ્યક્તિ લિયાકતની ઉંમર લગભગ 30 વર્ષ હતી અને તે ચંદ્રયાનગુટ્ટાનો રહેવાસી હતો. પોલીસના જણાવ્યા અનુસાર, તે તેના ત્રણ મિત્રો સાથે મેરિડિયન રેસ્ટોરન્ટમાં બિરયાની ખાવા ગયો હતો જ્યાં એકસ્ટ્રા રાયતુ માંગવાને લઈને વિવાદ થયો હતો અને પછી કર્મચારીઓ સાથે મારપીટ થઈ હતી.

એક અધિકારીએ જણાવ્યું કે વિવાદ વધ્યા પછી કોઈએ પોલીસને જાણ કરી. બંને પક્ષોને પોલીસ મથકે લાવી પૂછપરછ ચાલી રહી હતી. જોકે આ દરમિયાન લિયાકતને ગંભીર ઈજા થઈ ન હતી, પરંતુ તેને ઉલ્ટી થવા લાગી અને તે પોલીસ સ્ટેશનમાં જ ઢળી પડ્યો. બાદમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મૃતક લિયાકતના પરિવારજનોનો આરોપ છે કે તેને હોસ્પિટલ લઈ જવામાં વિલંબ થયો હતો જેના કારણે તેને બચાવી શકાયો નહોતો. પોલીસે આ મામલે હત્યાનો કેસ નોંધ્યો છે અને કહ્યું છે કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટથી જ સ્પષ્ટ થશે કે તેના મોતનું સાચું કારણ શું છે.

અહેવાલો સામે આવ્યા છે કે ગ્રાહક લિયાકત રવિવારે સાંજે રેસ્ટોરન્ટમાં આવ્યો હતો અને બિરયાનીનો ઓર્ડર આપ્યો હતો. જ્યારે તેમને બિરયાની પીરસવામાં આવી ત્યારે તેમાં રાયતુ નહોતુ. જ્યારે લિયાકતે રાયતુ માંગ્યુ તો હોટલના સ્ટાફે ના પાડી. જો કે, વારંવાર રાયતુ માંગ્યા પછી, લિયાકત હોટલ સ્ટાફ સાથે દલીલમાં ઉતર્યો, જેનાથી રેસ્ટોરન્ટ સ્ટાફ અને માલિક ગુસ્સે થયા.

દલીલબાજી બાદ હોટલના કર્મચારીઓએ લિયાકતને પકડી લીધો, તેને એક રૂમમાં લઈ ગયા અને માર મારવા લાગ્યા, જેનાથી હંગામો મચી ગયો. દરમિયાન કોઈએ પોલીસને ફોન કરીને આ અંગે જાણ કરી હતી. થોડીવાર પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બંને પક્ષોને પોલીસ સ્ટેશન લઈ ગઈ. આ દરમિયાન, લિયાકતને છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ થઈ અને તે જમીન પર પડી ગયો. પોલીસ તેને હોસ્પિટલ લઈ ગઈ ત્યારે ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.