
અમદાવાદ, વાવાઝોડા બિપોરજોયે છેલ્લા કેટલાક દિવસોથી કહેર વર્તાવ્યો છે. રાજ્યના અનેક ભાગમાં વિવિધ પ્રકારના નુક્સાન જોવા મળી રહ્યા છે. ક્યાંક વીજપોલ ઘરાશાયી થતા સ્થાનિકોની મુશ્કેલીઓ વધી છે તો ક્યાંક પતરા ઉડ્યા તો ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા છે.આ સિવાય ક્યાંક ક્યાંક જાનહાનિની ઘટનાઓ સામે આવી છે. આ સમયે પોરબંદર અને રાજકોટથી ખાસ સમાચાર આવી રહ્યા છે.
પોરબંદર અને રાજકોટમાં ૨ લોકોના વાવાઝોડાના કારણે મોત થયાનું સામે આવ્યું છે. આ સિવાય ભાવનગરમાં પણ ગઈકાલે આવી ઘટના બની જેમાં પિતા પુત્રએ જીવ ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
ભાવનગર જિલ્લાના વરતેજ નજીક આવેલા સોડવદરા ગામે બાપ દીકરો અને ૨૩ જેટલા બકરા ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. ભાવનગર જિલ્લાના વરતેજ નજીક આવેલા સોડવદરા ગામે બકરા ચરાવી આવી રહ્યા હતા. આ દરમિયાન બકરા પાણી પીવા માટે જતા હતા અને તે બકરા ડૂબવા લાગ્યા. તેને બચાવવા જતા બાપ-દીકરો પણ મોતને ભેટ્યા હતા.
ભાવનગરમાં જે પિતા અને પુત્રના મોત નીપજ્યા તેમાં રામાભાઇ મેઘાભાઈ પરમાર જેમની ઉંમર વર્ષ ૫૫ હોવાનું અને સાથે રાજેશભાઈ રામાભાઇ પરમાર ઉંમર વર્ષ ૨૨ દેવીપુજક તરીકે કરાઈ છે. તેઓ પોતાના પશુઓને બચાવવા જતા પશુ સાથે બાપ દીકરો પણ મોતને ભેટ્યા હતા.