બિપોરજોય વાવાઝોડુ આફત ગંભીર બની: દ્વારકાના દરિયા કિનારે ૪ નંબરનું સિગ્નલ, સોમનાથમાં પવન સાથે વરસાદ

અમદાવાદ: બિપોરજોય વાવાઝોડું પોરબંદરથી ૪૮૦ કિ.મી દૂર છે. દ્વારકાથી ૫૩૦ કિમી દૂર છે. જ્યારે કચ્છના નલિયાથી ૬૧૦ કિમી દૂર છે. વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે. જેના પગલે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. રાજ્યના અમુક ભાગોમાં ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદ પણ જોવા મળી રહ્યો છે. સાથે જ ભારે પવનને લીધે ઘરોના પતરા ઉડી ગયા હોવાનું પણ સામે આવ્યું છે. ખાસ કરીને, અત્યાર સુધી બંદરો પર બે નંબરના સિગ્નલ લગાવાયા છે, પરંતુ દ્વારકા અને મોરબીના બંદર પર ૪ નંબરનું સિગ્નલ લગાવાયું છે.

બિપોરજોયના ખતરા સામે તંત્ર એલર્ટ છે. ઓલપાડનો ડભારી દરિયા કિનારે જવા પર પ્રતિબંધ મૂકાયો છે. ડભારી જતા માર્ગ પર બેરીગેટ મુકાયા છે. ઓલપાડ પોલીસ તેમજ સાગર સુરક્ષા દળના જવાનો તૈનાત છે. દરિયાકિનારે સતત પેટ્રોલિંગ કરાઇ રહ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારમાં પવનની ગતિ વધી છે. દરિયામાં ઊંચા મોજા અને કરંટ જોવા મળ્યો છે. ડભારી, લવાછા, પિંજરત, દાંડી સહિતના ૨૪ ગામોને એલર્ટ કરાયા છે.

પાટણ જિલ્લામાં મોડી રાત્રે ભારે પવન ફૂંકાયો હતો. મોડી રાત્રે ફૂંકાયેલા પવને તારાજી સર્જી છે. રાધનપુરના કેટલાક ગામોમાં ભારે પવન ફૂંકાયો હતો. ભારે પવનના કારણે જાવંત્રી ગામે મકાનોના પતરા ઉડ્યા હતા. ભારે પવનના કારણે અનેક કાચા મકાનોને નુક્સાન પહોંચ્યું હતું. ૧૦થી વધુ કાચા મકાનોના પતરા ઉડયા હતા.

પોરબંદર સહિત સૌરાષ્ટ્રના દરીયા કાંઠાના વિસ્તારોમાં હવામાન વિભાગ દ્રારા વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાની આગાહીને પગલે પોરબંદર દરિયો તોફાની બન્યો છે અને ઉંચા મોઝા ઉછળી રહ્યા છે. વાવાઝોડાની અસરના ભાગરૂપે ચોપાટી પર લોકોને પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

ગુજરાતનાં અનેક વિસ્તારોમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. સોમનાથના દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. સાથે જ દરિયામાં તેજ પવન સાથે તોફાની મોજા ઉછળ્યા છે. બિપોરજોય વાવાઝોડાનું સંકટ વયું છે. વાવાઝોડાનાં સંકટને લઈને મોરબી તંત્ર એલર્ટ છે. મોરબીના નવલખી બંદર પર ૪ નંબરનું સિગ્નલ લગાવાયું છે. ખતરો વધતા ૨ નંબરનું સિગ્નલ ઉતરી ૪ નંબરનું સિગ્નલ લગાવાયું છે. જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ રહેવા સરકારની સૂચના છે.

દ્વારકા: રાજ્યના વાતાવરણ પર બિપોરજોય વાવાઝોડાની અસર થતી હોય તેમ દેખાઇ રહ્યુ છે. અરબી સમુદ્રમાં બિપોરજોય અત્યંત તીવ્ર વાવાઝોડામાં પરિવર્તિત થઇ ગયુ છે. ત્યારે આ વાવાઝોડું ધીરે ધીરે ગુજરાત તરફ આવી રહ્યુ છે. જેના કારણે રાજ્યમાં ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. આ વાવાઝોડાની અસરને પગલે દ્વારકાના ગોમતીઘાટ અને ભડકેશ્ર્વરના દરિયાઈ વિસ્તારમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. આ સાથે ગીર સોમનાથના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટાં પણ પડ્યા છે.દ્વારકામાં ’બિપોરજોય’ વાવાઝોડાને કારણે દ્વારકાના ગોમતીઘાટ અને ભડકેશ્ર્વરના દરિયાઈ વિસ્તારમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે.દરિયામાં પવન સાથે ૧૦થી ૧૫ ફૂટ ઊંચા મોજા ઉછળતાં જોવા મળી રહ્યાં છે. દરિયાઈ સ્થિતિ બાદ તંત્ર દ્વારા ગોમતીઘાટ વિસ્તાર ખાલી કરાવી દીધો છે. તંત્રએ સાવચેતીના ભાગરુપે પ્રવાસીઓ અને સ્થાનિકોને દરિયાથી દૂર રહેવા અપીલ કરી છે. કચ્છ રાપરના જાટાવાડામાં ભારે પવન ફૂંકાતા મકાનોના છાપરા ઉડ્યા છે. ગત રાત્રે વરસાદની સાથે ભારે પવન ફૂંકાયો હતો. ભારે પવનના કારણે અનેક મકાનોના નળિયા ઉડી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામમાં અનેક વિજપોલ ધરાસાઈ થયા છે. ગતરાત્રીથી ગામમાં વીજપુરવઠો ખોરવાયો છે.

વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રમાં એનડીઆરએફની બે ટીમ તહેનાત કરવામાં આવી છે. પોરબંદર, ગીરસોમનાથના ભાલપરામાં ટીમ તહેનાત કરવામાં આવી છે. બંને ટીમ બચાવ સાધનો સાથે સજ્જ છે. ઇન્સ્પેક્ટર વેદ પ્રકાશ યાદવ પોતાની ટીમ સાથે ગીર સોમનાથ પહોંચ્યા છે. એનડીઆરએફની ૨૫ વ્યક્તિઓની ટીમ ગીરસોમનાથ પહોંચી છે. હવામાન આગાહી પ્રમાણે, આજે ગુજરાત પ્રદેશના જિલ્લાઓ જેમ કે અમદાવાદ, ડાંગ, નવસારી, સુરત, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એટલે કે, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. ગુજરાત પ્રદેશના બાકીના જિલ્લાઓમાં શુષ્ક હવામાનની સંભાવના છે.હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહન્તી દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે, આવતા પાંચ દિવસમાં આખા રાજ્યમાં વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં વધારે વરસાદ થવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર કચ્છમાં બે દિવસ ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. બે દિવસ પછી એટલે ૧૩, ૧૪, ૧૫ તારીખના રોજ સૌરાષ્ટ્ર કચ્છમાં પવનની ગતિ વધીને ૫૦ સુધી જવાની આશંકા છે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ૬૦ કિમીની ઝડપે પણ પવન ફૂંકાઇ શકે છે.