બિપરજોય વાવાઝોડાને પહોંચી વળવા મુંબઈની ખાસ તૈયારી, બીએમસીએ ૧૨૦ સુરક્ષાકર્મીઓની ટીમ ઉતારી

મુંબઇ, બિપરજોય તોફાનનો સામનો કરવા માટે મુંબઈ તૈયાર છે. બીએમસીએ ડૂબવા અને અન્ય અકસ્માતોથી બચાવવા ૨૬ લાઈફગાર્ડમાં વધારો કર્યો છે. તો દરિયાકાંઠે ૧૨૦ સુરક્ષા ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. બે દિવસ પહેલા જુહુ ચોપાટી પર ચાર યુવકોના દરિયામાં ડૂબી જવાથી મોત થયા હતા. આ પછી, ગુરુવારે બિપરજોય વાવાઝોડાની તબાહીની આશંકાઓને ધ્યાનમાં રાખીને BMCએ દરિયાકાંઠા વિસ્તારમાં સુરક્ષા વધારી દીધી છે.

આ પહેલા દરિયાકિનારે ૯૪ લાઈફગાર્ડ તૈનાત હતા. બિપરજોય વાવાઝોડાના જોખમને જોતા હવે ૨૬ લાઈફ ગાર્ડ વધુ તૈનાત કરવામાં આવ્યા છે. મુંબઈ મહાનગરપાલિકાના એડિશનલ કમિશનર ડૉ.સુધાકર શિંદેએ આ માહિતી આપી હતી.

મ્યુનિસિપલ કમિશનર ડૉ. ઇકબાલ સિંહ ચહલ અને એડિશનલ કમિશનર ડૉ. સુધાકર શિંદેએ મુંબઈની છ ચોપાટીઓમાં અલગ-અલગ સ્થળોએ કુલ ૧૨૦ ટ્રેન્ડ લાઇફ ગાર્ડ્સ તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ હેઠળ ગિરગાંવ, દાદર, જુહુ, વર્સોવા, અક્સા અને ગોરાઈ ચોપાટી પર સવારે ૮થી ૪ વાગ્યા સુધી ૬૦ ટ્રેન્ડ સિક્યોરિટી ગાર્ડ અને બપોરે ૩થી ૧૧ વાગ્યા સુધી ૬૦ ટ્રેન્ડ સિક્યોરિટી ગાર્ડ્સ તૈનાત કરવામાં આવશે.

અરબી સમુદ્રનો દરિયા કિનારો મુંબઈમાં ૧૪૫ કિલોમીટરમાં ફેલાયેલો છે. આ બીચ કોલાબાથી શરૂ થાય છે અને ગોરાઈ સુધી અને ત્યાંથી MMR પ્રદેશ સુધી વિસ્તરે છે. આમાંથી ગિરગાંવ અને દાદર ચોપાટી શહેરી વિભાગો, જ્યારે જુહુ, વર્સોવા, અક્સા અને ગોરાઈ ચોપાટી પશ્ર્ચિમી ઉપનગરોની કિનારા પર આવેલા છે.

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને દરિયા કિનારે ડૂબવાના બનાવોથી મુંબઈવાસીઓને બચાવવા માટે ૧૨૦ લાઈફ ગાર્ડની ટીમ તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. ટ્રેન્ડ લાઇફગાર્ડ્સ પ્રવાસીઓ દરિયામાં અંદર સુધી ન જાય તેની તકેદારી રાખશે. આમ છતાં જો કોઈ અનિચ્છનીય ઘટના બને તો આ લાઈફગાર્ડ લોકોને બચાવવા માટે આગળ આવશે. આવી અનિચ્છનીય ઘટનાઓને રોકવા માટે લાઇફગાર્ડની સુરક્ષા વધારવી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.