બિપરજોય વાવઝોડાથી ગુજરાતમાં રૂ.૧૭૯૭.૮૨ કરોડનું નુક્સાન થયું છે

  • રાજ્ય સરકારે કેન્દ્ર પાસે માગી સહાય

ગાંધીનગર, બિપરજોય વાવઝોડાથી થયેલા નુક્સાનને લઇને કેન્દ્રની સહાય જાહેરાત પહેલા કેન્દ્ર સરકારની ટીમ ગુજરાતમાં આવી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા નુક્સાન સહિતના મુદ્દાઓ પર કેન્દ્ર સમક્ષ રજુઆત કરવામાં આવી છે. જૂન મહિનામાં આવેલા અતિવિનાશક બિપરજોય વાવાઝોડાથી ગુજરાતને રૂ.૧૭૯૭.૮૨ કરોડનું નુક્સાન થયુ હોવાની કેન્દ્રીય ટીમ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારની બે ઇન્ટર-મિનિસ્ટેરિયલ સેન્ટ્રલ ટીમ બિપરજોય વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાઓમાં નુક્સાનની સ્થળ આકારણી માટે આજથી ગુજરાતની ચાર દિવસની મુલાકાતે છે. ત્યારે આ ટીમ સમક્ષ ગુજરાત સરકાર દ્વારા બિપરજોય વાવઝોડાથી ગુજરાતમાં થયેલા નુક્સાનનો આંકડો રજૂ કરવામાં આવ્યો છે. રજૂઆત કરવામાં આવી છે કે ગુજરાતમાં સૌથી વધુ નુક્સાન વીજળી અને તેને લગતી સેવાને રૂ. ૯૦૯ કરોડથી વધુનું નુક્સાન થયુ છે. તો રોડ અને બિલ્ડીંગ વિભાગને રૂ.૭૦૨ કરોડનું નુક્સાન થયુ છે. પોર્ટ અને ટ્રાન્સપોર્ટને રૂ.૭૨.૭૨ કરોડનું નુક્સાન થયુ છે. તો કૃષિને રૂ. ૨૦ કરોડના નુક્સાનની રજૂઆત કરવામાં આવી છે.

બિપરજોય વાવાઝોડાથી કચ્છ અને સૌરાષ્ટ્રના આઠ જિલ્લાના ૪૪૩ ગામની ૧૯.૧૬ લાખથી વધુ વસતીને અસર થઈ હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સરકારે ઝીરો કેઝ્યુઅલટી એપ્રોચથી સંભવિત અસરગ્રસ્ત વિસ્તારમાં સ્થળાંતર સહિતના આગોતરા પગલાં લીધા હતા. જેના કારણે માનવહાની નિવારાઈ છે. સાથે પશુધનને બચાવવામાં મોટા ભાગે સફળતા મળી છે. જો કે લોકોના માલસામાનને મોટા પાયે નુક્સાન પહોંચ્યુ હતુ. ત્યારે ગુજરાતમાં કેન્દ્ર સરકારની સાત સભ્યોની બે ટીમ આજથી એટલે કે ૦૧ થી ૦૪ ઓગસ્ટ દરમિયાન ‘બિપરજોય’ વાવાઝોડા પ્રભાવિત કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને બનાસકાંઠાની રૂબરૂ મુલાકાત કરીને નુક્સાન અંગે સ્થળ આકારણી કરવાની છે.

ગુજરાત સરકારે બિપરજોય વાવાઝોડા સમયે યુદ્ધના ધોરણે અસરગ્રસ્ત વિસ્તારમાં સ્થળાંતર સહિતના આગોતરા પગલાં લીધા હતા અને પુન:વસનની કામગીરી કરી હતી.કચ્છ અને સૌરાષ્ટ્રના આઠ જિલ્લામાં ૧.૪૩ લાખ લોકોને આગોતરા સલામત સ્થળે સ્થળાંતર કરાવાયુ હતું. સૌથી વધુ ૭૪ હજારથી વધુ લોકોનું કચ્છમાં સ્થળાંતર કરાવાયુ હતું. હવે આટલા વ્યાપક નુક્સાનને પહોંચી વળવા કેન્દ્રીય મદદની રજૂઆત ગુજરાતે કરી છે.