બિપોરજોય વાવાઝોડું: સુરતમાં ગામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

બિપોરજોય વાવાઝોડાના કારણે સમગ્ર રાજ્યના દરિયા કિનારાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે, ત્યારે બિપોરજોયની આગાહીના પગલે સુરત જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. આ કામગીરીની ચકાસણી કરવા માટે મંત્રી મુકેશ પટેલ અને ધારાસભ્ય સંદીપ દેસાઈએ સુવાલી બીચની મુલાકાત કરી હતી. વાવાઝોડાની આગાહીના કારણે ગામના લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા હતા. વાવાઝોડાની આગાહીને લઈને મંત્રી મુકેશ પટેલે નિવેદન આપ્યું કે, સમગ્ર જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ છે. NDRFની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આ સાથે ગામના લોકોને જ્યાં રાખવામાં આવ્યા છે, ત્યાં તેમની રહેવા જમવાની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

સુરતમાં સંભવિત વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ પર છે. સુવાલી અને ડુમસ બીચ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ડુમસ બ્રિજ ખાતે તકેદારી વધારવામાં આવી છે. આજથી ૧૩ જૂન સુધી બિચ પર પ્રતિબંધ રહેશે. વાવાઝોડાને લઈને સુરત પોલીસ કમિશ્ર્નર અજય તોમરે પણ જાહેરનામું જાહેર કર્યું છે.

વાવાઝોડું પોરબંદરથી હાલ ૬૦૦ કિલોમીટર દૂર છે, ત્યારે દરિયા ખેડતા માછીમારોને પરત બોલાવી લેવામાં આવ્યા છે. સાથે જ રોરો ફેરીને પણ બે દિવસ માટે બંધ કરાવી દેવામાં આવી છે. તમામ ધારાસભ્યો, તલાટીઓ પણ સતત નજર રાખી રહ્યા છે. તમામ કર્મચારી-અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે.

બિપોરજોય વાવાઝોડાને લઇ દ્વારકાના શિવરાજપુર બીચમાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે. વાવાઝોડાની અસરને ધ્યાનમાં રાખી ૧૦થી ૧૫ જૂન સુધી શિવરાજપુર બીચ સંપૂર્ણ બંધ રહેશે. વાવાઝોડા દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે અર્થે આ નિર્ણય લેવાયો છે.