ગાંધીનગર, બિપોરજોય વાવાઝોડુ (Cyclone Biparjoy) ગમે ત્યારે ગુજરાતમાં ટકરાઈ શકે છે. ત્યારે બિપોરજોય વાવાઝોડાના ખતરાને પહોંચી વળવા તંત્ર તમામ પ્રકારે સજ્જ છે. કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા તંત્ર તૈયાર છે. ત્યારે સુરતમાં વાવાઝોડાના સંભવિત ખતરા અંગે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ મહત્વનું નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીએ કહ્યું કે વાવાઝોડાને લઈ સરકારે તમામ પ્રકારની તૈયારી કરી લીધી છે. અમે સતત મુખ્યપ્રધાન સાથે સંપર્કમાં છીએ અને સતત બેઠક કરી સ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે. સાથે જ હર્ષ સંઘવીએ રાજ્યના લોકોને સરકારને સાથ સહકાર આપવા માટે પણ અપીલ કરી છે.
હાલ વાવાઝોડુ ૫૮૦ કિ.મી. પશ્ર્ચિમ-દક્ષિણપશ્ર્ચિમ મુંબઈ દૂર, પોરબંદરથી ૪૮૦ કિલોમીટર દક્ષિણ-દક્ષિણ પશ્ર્ચિમ દૂર, દેવભૂમિ દ્વારકાથી ૫૩૦ કિલોમીટર દૂર, નલિયા થી ૬૧૦ કિલોમીટર દક્ષિણ-દક્ષિણ-પશ્ર્ચિમ દુર છે. જ્યારે પાકિસ્તાનના કરાચીની દક્ષિણે ૭૮૦ કિમી દૂર છે. તેમજ આગામી ૬ કલાક દરમિયાન અત્યંત ગંભીર ચક્રવાત વાવાઝોડામાં ઉગ્ર બને તેવી શક્યતા છે.
હવામાન વિભાગના બુલેટિનમાં હવે દેવભૂમિ દ્વારકાનું વાવાઝોડાનું ડિસ્ટન્સ ઉમેરાયું છે. તેમજ ૧૫મી જૂને તે લગભગ ૧૨૫ થી ૧૫૦ કિમી પવનની ઝડપે તે ઉત્તર તરફ આગળ વધીને પાકિસ્તાન અને તેની નજીકના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે પહોંચે તેવી સંભાવના છે. જ્યારે દીવ દમણ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે તીવ્ર વાવાઝોડાને લઈને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારને માટે યલો અલર્ટ આપવામાં આવ્યું છે.