રાજકોટ, ગુજરાતમાં લોક્સભાની ચૂંટણી વચ્ચે ઈફકોના ડિરેક્ટરની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. પક્ષના જ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ ભાજપ સમથત ઉમેદવાર બિપિન પટેલ ઉર્ફે બિપિન ગોતા વિરુદ્ધ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. હવે ભાજપના ૩ નેતાઓ એકબીજાની સામે દાવ ખેલશે. રાજકોટ પાસે આ ચૂંટણીમાં સૌથી વધારે મત છે. ભાજપના બિપિન પટેલ આ મતોમાં ગાબડું પાડે છે કે નહીં એ તો આગામી સમય જ બતાવશે. રાદડિયાએ ફોર્મ પાછું ન ખેંચવાના કારણે હવે ગુજરાતમાં લોક્સભાની ચૂંટણી કરતાં ઇકો ડિરેક્ટરની ચૂંટણીને લઇને વધુ ચર્ચા ચાલી રહી છે. જયેશ રાદડિયા હાલ રાજકોટની જેતપુર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે.
રાદડિયા રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે જ્યારે બિપીન પટેલ સહકારી સેલના પ્રમુખ છે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની પણ આ ચૂંટણી પર સીધી નજર છે. કોંગ્રેસ સમથત વિજય ઝટકિયાએ ઈકો ડિરેક્ટરની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ સુરત પાર્ટ-૨ થવાના કારણે તેમનું નામાંકન રદ કરવામાં આવ્યું છે. ઇકો ડિરેક્ટરની ચૂંટણી માટે ૯મી મેના રોજ મતદાન થશે.
આ ચૂંટણીમાં કુલ ૧૮૨ મતદારો છે. આમાં સૌરાષ્ટ્રનું વર્ચસ્વ છે. એકલા રાજકોટમાં ૬૮ મત છે. ભાજપના સમર્થનથી ચૂંટણી લડી રહેલા બિપિન પટેલ ચૂંટણી જીતે છે કે રાદડિયાની હાર થાય છે તેના પર સૌની નજર મંડાયેલી છે. બીજેપી ધારાસભ્ય રાદડિયાએ પોતાનું નામાંકન પાછું ખેંચવાનો ઇનકાર કરતાં આ ઇકો ડિરેક્ટર માટે ચૂંટણી આવી છે.
સહકારી ક્ષેત્રમાં એવી પણ ચર્ચા છે કે જો બિપીન પટેલ ઉર્ફે ગોતા ચૂંટણી જીતે તો તેઓ ઇકોના ચેરમેન અથવા તો વાઇસ ચેરમેન બની શકે છે. હાલમાં ભાજપના નેતા દિલીપ સંઘાણી ઇકોના ચેરમેન પદે છે. દિલીપ સંઘાણી ગુજરાત ભાજપના મજબૂત નેતા છે. પાટીદાર સમાજમાંથી આવતા રાદડિયા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા દિગ્ગજ નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર છે. રાજકોટમાં તેમનું વર્ચસ્વ છે.
કોંગ્રેસના સમર્થન વાળા ઉમેદવારનું ફોર્મ રદ થઈ જતાં ઇફકોના ડાયરેક્ટરની ચૂંટણી ભાજપ વિરુદ્ધ ભાજપ જેવી સ્થિતિ બની છે. આવી સ્થિતિમાં ભાજપના મતોમાં વિભાજન થઈ શકે તેવી ચર્ચા છે. આ ચૂંટણીમાં કુલ ત્રણ ઉમેદવારો છે જેમાં જયેશ રાદડિયા, પંકજ પટેલ અને બિપિન પટેલના નામ સામેલ છે. રાદડિયા સૌરાષ્ટ્રના લોકપ્રિય નેતાઓમાં સામેલ છે. અગાઉ ગુજરાતમાં તેઓ મંત્રી બનશે તેવી ચર્ચા હતી, પરંતુ ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં સ્થાન ન મળતાં લોક્સભાની ચૂંટણી લડશે તેવી ચર્ચા ચાલી હતી, પરંતુ પાર્ટીએ પોરબંદર બેઠક પરથી મનસુખ માંડવિયાને મેદાનમાં ઉતાર્યા હતા.
એક તરફ રાદડિયા માંડવિયા માટે પ્રચાર કરતા રહ્યા તો બીજી તરફ તેઓ ઇકોની ચૂંટણીમાં પાર્ટીની વિરુદ્ધમાં ઊભા રહ્યા. ગુજરાતના સહકારી ક્ષેત્રમાં ભાજપનું વર્ચસ્વ છે. આ વિભાગના કેન્દ્રમાં મંત્રી અમિત શાહ છે, તેથી આ ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. રાદડિયા અગાઉ ડિરેક્ટર તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. જયેશ રાદડિયાની જેમ પંકજ પટેલ પણ ભાજપના નેતા છે. આમ ભાજપના નેતાઓ વચ્ચે જ ભારે રસાક્સી જામે તેવી પૂરી સંભાવના છે.