બિનખેતીની જમીનને કૉમર્શિયલ ઉપયોગની મંજૂરી ન હોવા છતાં ગેમિંગ ઝોન ઊભો કરી દેવાયો

રાજકોટ, રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડમાં નવો જ વળાંક સામે આવ્યો છે. આ ગેમિંગ ઝોન જે જમીન પર ઊભો હતો તે જમીન વાસ્તવમાં બિનખેતીની થઈ હતી અને રહેણાક હેતુ માટે હતુ. તેના કૉમર્શિયલ ઉપયોગની કોઈ પરવાનગી જ ન હતી. આમ છતાં ત્યાં ગેમિંગ ઝોન ઊભો કરી દેવાયો હતો.

સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તુષાર ગોકાણીએ ધવલ ઠક્કરના રિમાન્ડની માંગણી કરતી વખતે કોર્ટને માહિતી આપી હતી કે જે જમીન પર ગેમ ઝોન બનાવવામાં આવ્યો હતો તે જમીન ટાઉન પ્લાનિંગ સ્કીમમાં રહેણાંક હેતુ માટે નક્કી કરવામાં આવી હતી અને તેના કોમશયલ ઉપયોગ માટે કોઈ પરવાનગી નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે જો માલિક જમીનનો ઉપયોગ તેના માટે નિર્ધારિત કરેલ છે તેના સિવાય અન્ય હેતુ માટે કરવા માંગે છે તો ‘ઉપયોગમાં ફેરફાર’ અરજી સબમિટ કરવી પડશે.

રાજકોટ મનપાએ અને પોલીસે એફઆઇઆરમાં આ જગ્યાને પાર્ટી પ્લોટ તરીકે ગણાવી હતી. આમ આ ગેમિંગ ઝોન ચાર-ચાર વર્ષથી રીતસરનો ગેરકાયદેસર રીતે ચાલતો હતો. આ જમીન ૨૦૦૫થી ફક્ત રહેણાક હેતુ માટે બિનખેતી થઈ હતી. ૨૦૧૬થી પણ એ જ હેતુ માટે રિવાઇઝ્ડ પ્લાન મંજૂર રહ્યો હતો. આમ છતાં ૨૦૨૪ સુધી ત્યાં કોઈ રહેણાક બન્યું નથી, આ સિવાય મહેસૂલતંત્રએ જમીનનો કયા કારણસર ઉપયોગ થઈ રહ્યો છે તેની ખરાઈ કરવાની પણ તસ્દી લીધી નથી. જો રાજકોટ મનપાએ તસ્દી લીધી હોત તો આ ગેમિંગ ઝોન ઊભો જ થયો ન હોત. ૨૦૨૧માં ઠક્કરની પેઢીના નામે ગેમ ઝોનનું બુકિંગ લાઇસન્સ ફાળવવામાં આવ્યું હતું. સુનાવણી દરમિયાન, કોર્ટે અધિકારીઓને પણ સવાલ કર્યો હતો કે ત્રણ માળનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું ત્યારે પણ તેઓ આ સ્પષ્ટ ઉલ્લંઘન વિશે કેવી રીતે જાણતા ન હતા. ગોકાણીએ કહ્યું, “પ્રોસિક્યુશનએ રજૂઆત કરી હતી કે પોલીસ આ મુદ્દાની તપાસ કરી રહી છે અને અન્ય વિભાગોના અધિકારીઓની સંડોવણીની પણ તપાસ કરવામાં આવશે,” એમ ગોકાણીએ જણાવ્યું હતું.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધવલ કોર્પોરેશનના નામે નોંધાયેલું હતું અને ઠક્કરે ૨૦૨૩માં લાયસન્સ રિન્યુઅલ અરજી પર સહી કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઠક્કરે સુવિધા અને સાધનોમાં રોકાણ કર્યું હતું. આ જમીન બે ભાઈઓ અશોક જાડેજા અને કિરીટ જાડેજાની માલિકીની હતી જેઓ હજુ પણ ફરાર છે.એફઆઇઆરમાં પોલીસે સાત આરોપીઓના નામ આપ્યા હતા, જેમાંથી ચારની ધરપકડ કરવામાં આવી છે. ઠક્કર, જેમની ફર્મ ધવલ કોર્પોરેશનના નામે ગેમ ઝોન રજીસ્ટર થયેલ છે, તેમને ત્રીજા એડિશનલ સિવિલ જજ બી.પી. ઠાકરની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતો ઠક્કર આબુ રોડ પર એક સંબંધીના ઘરે છુપાયો હતો.